01 October, 2023 09:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બિકાનેરમાં ગઈ કાલે એક બૅન્કમાં લોકો દ્વારા ડિપોઝિટ કરવામાં આવેલી ૨૦૦૦ રૂપિયાની કરન્સી નોટ્સને કાઉન્ટ કરી રહેલો એક કર્મચારી. પી.ટી.આઇ.
નવી દિલ્હીઃ આરબીઆઇ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા)એ ગઈ કાલે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે બૅન્કો ખાતે ૨૦૦૦ રૂપિયાની નોટ્સને એક્સચેન્જ કરવા માટેની છેલ્લી તારીખ વધારીને સાત ઑક્ટોબર કરવામાં આવી છે. આરબીઆઇએ જણાવ્યું છે કે એક્સચેન્જ કરવા માટેની ડેડલાઇન પૂરી થઈ ગયા પછી પણ ૨૦૦૦ રૂપિયાની નોટ વૅલિડ રહેશે. આ પહેલાંની એક્સચેન્જ માટેની ડેડલાઇન ગઈ કાલની હતી.
બૅન્કો આઠમી ઑક્ટોબરથી એક્સચેન્જ માટે ૨૦૦૦ રૂપિયાની નોટ્સને સ્વીકારવાનું બંધ કરશે. જોકે લોકો આરબીઆઇની ૧૯ ઑફિસો ખાતે ૨૦૦૦ રૂપિયાની નોટ્સને એક્સચેન્જ કરાવી શકશે. આ નોટ્સને ઇન્ડિયા પોસ્ટ દ્વારા આરબીઆઇની ‘ઇશ્યુ ઑફિસો’ને પોસ્ટ દ્વારા પણ મોકલાવી શકાય છે.
આરબીઆઇએ જણાવ્યું હતું કે આ વર્ષે ૧૯મી મે સુધી સર્ક્યુલેશનમાં રહેલી કુલ ૩.૫૬ લાખ કરોડ રૂપિયામાંથી ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની ૩.૪૨ લાખ કરોડ રૂપિયાની નોટ્સ રિટર્ન થઈ ગઈ છે. ૨૯મી સપ્ટેમ્બર સુધીમાં ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની ૦.૧૪ લાખ કરોડ રૂપિયાની નોટ્સ જ સર્ક્યુલેશનમાં છે. ડેટા પરથી ખ્યાલ આવે છે કે ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની ૯૬ ટકા નોટ્સ બૅન્કમાં રીટર્ન થઈ ગઈ છે.