Maharashtra: વરસાદનો આવો કહેર ક્યારેય જોયો નથી ! સતારામાં 7 લોકોના મોત

23 July, 2021 08:30 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર મચ્યો છે. સતારા જિલ્લામાં ભૂસ્ખલનમાં 20 લોકો ફસાયા છે. તેમજ જુદી જુદી ઘટનામાં 7 લોકોના મોત થયા છે.

રત્નાગીરી તસવીરઃ IAF

ભારે વરસાદને કહેરથી મહારાષ્ટ્રના જિલ્લાઓમાં ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પાટણ તહસીલમાં બે સ્થળોએ ઓછામાં ઓછા 20 લોકો ભૂસ્ખલનમાં ફસાયા હોવાની આશંકા છે.   

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં શુક્રવારે ભૂસ્ખલન સહિતની વરસાદની ઘટનાઓમાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ત્રણ વ્યક્તિઓ ગુમ થયાં છે. 

અગાઉ જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, રાત્રી દરમિયાન પાટણ તહસીલના અંબેઘર અને મીરાગાંવ ગામોમાં આઠ મકાનોમાં ભૂસ્ખલન થતાં 20 લોકો ફસાયા હતા, જેમની બચાવ કામગીરી ચાલુ છે. જાવલી તહસિલમાં બે વ્યકિતનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય બે ના વાઈ તહસીલમાં ભૂસ્ખલનને કારણે મોત થયા છે. પાટણ તહસીલમાં ભૂસ્ખલન અને પૂરની અલગ અલગ ઘટનાઓમાં એક મહિલા અને એક પુરુષનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચોઃ Maharashtra Rains: વરસાદના પ્રકોપને કારણે રાયગઢમાં જમીન ધસવાથી 36 લોકોના મોત

જ્યારે જાવલી તહસીલમાં પૂરના પાણીમાં ચાર વ્યક્તિઓ વહી ગયા હતા, જેમાંથી બે લોકોના મૃત હાલતમાં મળી આવ્યા હતા, બાકીના બે હજી ગુમ છે. આ ઉપરાંત મહાબલેશ્વરનો એક વ્યક્તિ પણ ગુમ છે. સતારાના બાલાસાહેબ પાટીલે કહ્યું કે, પાટણ તહસીલના વિવિધ ભાગોમાં 20 થી વધુ લોકો ફસાયેલા છે. વરસાદનો આવો કહેર ક્યારેય જોયો નથી. તેમણે વધુમાં કહ્યું કે પાટણ તહસીલના પાલી ગામમાં એક બ્રિજ 1991 પછી પહેલીવાર પાણીની નીચે ગયો હોવાના ઘટના બની છે. 

સતારા ગ્રામીણના પોલીસ અધિક્ષક અજયકુમાર બંસલે જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન અંબેઘર અને મીરાગાંવ ગામોમાં ભૂસ્ખલન થયું હતું. ગુરુવારે સાંજે દરિયાકાંઠાના રાયગઢ જિલ્લામાં મોટી ભૂસ્ખલન ઘટના બની હતી, જેમાં 36 લોકો લોકોના મોત થયા હતા. ત્યાર બાદ સતારામાં આ ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચોઃ Mumbai:ગોવંડીમાં એક ઈમારત ધરાશાયી, 4 લોકોના મોત જ્યારે 10 ઘાયલ

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કેટલાક લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. બંસલે વધુમાં જણાવ્યું હતું કે, અંબેઘરમાં ચાર મકાનોમાં 13 કે 14 લોકો ફસાયેલા હોવાની આશંકા છે, જ્યારે મીરાગાંવમાં ત્રણ ઘરોમાં 8 થી 10 લોકો ફસાયા છે.  એસપીએ જણાવ્યું હતું કે ધોધમાર વરસાદને લીધે બંને ગામ તરફ જતા રસ્તાઓ  પર પાણી ભરાયા છે. જેના કારણે બચાવ કાર્ય માટે ભારે મશીનરીઓ લાવવી મુશ્કેલ બની હોવાનું પણ એસપીએ જણાવ્યું હતું.

 

national news satara maharashtra mumbai rains