રવિવારે બપોરે દોઢ વાગ્યે થશે કેન્દ્રીય કૅબિનેટનું વિસ્તરણ

07 November, 2014 05:53 AM IST  | 

રવિવારે બપોરે દોઢ વાગ્યે થશે કેન્દ્રીય કૅબિનેટનું વિસ્તરણ



કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણની વાતો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળ્યા હતા. બન્ને વચ્ચે કૅબિનેટના એક્સ્પાન્શન બાબતે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.

હાલની કૅબિનેટમાં છથી વધુ પ્રધાનો એવા છે જેઓ એક કરતાં વધુ મંત્રાલયોની કામગીરી સંભાળી રહ્યા છે. આ બધાનો બોજો હળવો કરવાની અને કૅબિનેટમાં કુલ દસ પ્રધાનો ઉમેરવાની યોજના છે. નરેન્દ્ર મોદી રવિવારે બપોરે દોઢ વાગ્યે કૅબિનેટનું વિસ્તરણ કરવાના છે.

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરની કેન્દ્રીય કૅબિનેટમાં સામેલ થવાની હવે માત્ર ઔપચારિકતા જ બાકી રહી છે. હરિયાણાના જાટ નેતા બિરેન્દર સિંહ, બિહારના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યો ગિરિરાજ સિંહ અથવા ભોલા સિંહ, મહારાષ્ટ્રમાંથી હંસરાજ આહિર, રાજસ્થાનમાંથી કર્નલ સોનારામ ચૌધરી અને ગજેન્દ્રસિંહ શેખાવતને સ્થાન મળવાની અટકળો જોરમાં છે.

 આ ઉપરાંત ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન યશવંત સિંહાના પુત્ર જયંત સિંહા, હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રેમકુમાર ધુમલના પુત્ર અનુરાગ ઠાકુર અને મુખ્તાર અબ્બાસ નકવીને પણ પ્રધાનપદું મળી શકે છે.

નજમા હેપ્તુલ્લાની તબિયત સારી નથી રહેતી એટલે તેમની પાસેથી પ્રધાનપદ લઈ લેવાનું છે, જ્યારે રાધામોહન સિંહને કૃષિમંત્રાલયને બદલે ગ્રામીણ વિકાસ મંત્રાલય સોંપવામાં આવશે. રાધામોહનના કામકાજથી વડા પ્રધાન ખુશ ન હોવાના અહેવાલ પણ છે.

ગોવા માટે મને બહુ લાગણી છે, પણ... : પર્રિકર

સંરક્ષણપ્રધાન તરીકે પોતાની સંભવિત નિમણૂક બાબતે મૌન તોડતાં ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરે ગઈ કાલે એટલું જ જણાવ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટીના વડા અમિત શાહે મને કેન્દ્રમાં જવાબદારી સંભાળવા કહ્યું છે. મને એ જવાબદારી સોંપવામાં આવશે તો એ સ્વીકારવા હું તૈયાર છું.’

દિલ્હીમાં શિફ્ટ થવાનું પોતાને અનુકૂળ નથી એમ જણાવતાં પર્રિકરે ઉમેર્યું હતું કે ‘ગોવા માટે મને બહુ લાગણી છે, પણ તાર્કિક રીતે રાષ્ટ્રને મારી સેવાની જરૂર હશે તો હું જવાબદારી જરૂર નિભાવીશ. વડા પ્રધાન જે જવાબદારી સોંપે એ સ્વીકારી લેજો એવું અમિત શાહે આજે સવારે જ મને ફોન કરીને જણાવ્યું હતું.’

બુધવારે યોજાયેલી બેઠક દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ મંત્રાલય સોંપવા બાબતે કોઈ વાત કરી હતી કે કેમ એનો ફોડ પર્રિકરે પાડ્યો નહોતો. તેમણે કહ્યું હતું કે ‘કેન્દ્રીય કૅબિનેટમાં જોડાવા બાબતે હું ચોક્કસ માહિતી જ આપવા ઇચ્છું છું. મને કોઈ ઑફર આવશે તો ૯ નવેમ્બર પહેલાં હું દિલ્હી પહોંચી જઈશ.’

આ ઘટના બાબતે માહિતી આપવા પર્રિકર આજે ગોવા BJPના વિધાનસભ્યોને મળશે. પોતાનો અનુગામી કોણ હશે એની ચોખવટ પર્રિકરે કરી નહોતી અને કહ્યું હતું કે અનુગામી નક્કી કરતી વખતે ઘણીબધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.  

RSSના બે નેતાઓ ગોવાના મુખ્ય પ્રધાન બનવાની રેસમાં

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મળવાના અનુમાન વચ્ચે તેમના અનુગામીનાં નામોની ચર્ચા ચાલુ થઈ ગઈ છે.

રાજ્યના આરોગ્યપ્રધાન લક્ષ્મીકાંત પાર્સેકર અને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર આર્લેકરનાં નામોની વિચારણા ગોવાના આગામી મુખ્ય પ્રધાન સંબંધે કરવામાં આવી રહી છે. આ બન્ને નેતાઓ RSS સાથે ર્દીઘકાળથી સંકળાયેલા છે.

પાર્સેકર ઉતર ગોવાના માંડ્રેમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ સંભાળે છે, જ્યારે આર્લેકર પેરનેમના વિધાનસભ્ય છે. બન્ને નેતાઓ રાજ્યમાં BJPનું નેતૃત્વ સંભાળી ચૂક્યા છે.

આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે પાર્સેકરે કહ્યું હતું કે ‘પક્ષ જે કહેશે એ હું કરીશ. હું મુખ્ય પ્રધાનપદની રેસમાં નથી. રાજ્યમાં કોઈ પદ માટે રેસ પણ નથી ચાલતી. આખરી નિર્ણય તો પક્ષ જ કરશે.’

બીજી તરફ આર્લેકરે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનપદ બાબતે કોઈએ તેમની સાથે વાત નથી કરી. મને કોઈએ કંઈ કહ્યું નથી, પણ પાર્ટી મને જવાબદારી સોંપશે તો હું મારી ક્ષમતા મુજબ એને પાર પાડવાના શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.

પર્રિકર સાથે મળીને ગોવામાં BJPનો પાયો નાખનારા કેટલાક નેતાઓમાં પાર્સેકર અને આર્લેકરનો સમાવેશ છે. મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને કૉન્ગ્રેસ સામે આકરો સંઘર્ષ કરીને તેમણે ગોવામાં ગ્થ્ભ્ને મજબૂત બનાવી હતી.