ચિત્રકૂટથી 13 દિવસ પહેલા અપહૃત થયેલા જોડિયા બાળકોની હત્યા, 5ની ધરપકડ

24 February, 2019 04:56 PM IST  |  સતના, બાંદા

ચિત્રકૂટથી 13 દિવસ પહેલા અપહૃત થયેલા જોડિયા બાળકોની હત્યા, 5ની ધરપકડ

2 જોડિયા બાળકોની અપહરણ પછી હત્યા

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ પોલીસના તમામ પ્રયત્નો વ્યર્થ થઈ ગયા. મધ્યપ્રદેશના સતનાથી અપહરણ કરાયેલ ચિત્રકૂટના બિઝનેસમેનના બે બાળકોના શબ 12 દિવસ પછી આજે બાંદામાં યમુના નદીમાં મળ્યા. પોલીસે આ મામલે ત્રણ વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

ચિત્રકૂટની બોર્ડર નજીક આવેલા મધ્યપ્રદેશના સતનામાં સદ્ગુરુ સેવાસંઘ ટ્રસ્ટની સદ્ગુરૂ પબ્લિક સ્કૂલમાંથી 12 ફેબ્રુઆરીના રોજ અપહરણ કરાયેલા આયુર્વેદિક તેલના બિઝનેસમેન બ્રજેશ રાવતના બંને બાળકોના શબ આજે બાંદા જિલ્લાના બબેરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદીમાંથી મળી આવતા સનસનાટી મચી ગઈ. અપહરણકર્તાઓએ પાંચ વર્ષીય જોડિયા બાળકો પ્રિયાંશ અને શ્રેયાંશ રાવતની હત્યા કરીને શબ બાંદા જિલ્લાના બબેરૂ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ઔગાસી ગામની પાસે યમુના નદીમાં ફેંકી દીધા હતાં. જાનકીકુંડ ટ્રસ્ટ પરિસરમાંથી 13 દિવસ પહેલા અપહરણ કરાયેલા બાળકોને શોધવામાં એમપી અને યુપીની 26 પોલીસ ટીમોની સાથે જ એસટીએફ પણ નિષ્ફળ રહી. અપહરણકર્તાઓ એટલા ક્રૂર હતા કે બંને માસૂમ બાળકોના હાથ-પગ દોરડા અને સાંકળથી બાંધીને ઔગાસી ગામથી લગભગ 3 કિલોમીટર દૂર બાકલ ગામની નજીક દેવી મંદિરની બાજુમાં વહેતી યમુના નદીમાં જીવતા જ ફેંકી દીધા હતા.

આજે સવારે પોલીસને સૂચના મળી અને તેમણે બંને શબ નદીમાંથી મેળવી લીધા છે. શબોની હાલત જોઇને એ સ્પષ્ટ થાય છે કે હત્યા 3-4 દિવસ પહેલા જ થઈ છે. બંને મૃતદેહોને સાંકળથી બાંધીને ફેંકવામાં આવ્યા. બાળકોના મૃત્યુની વાત સાંભળીને બ્રજેશ રાવતના પરિવારના લોકોની સાથે જ સંબંધીઓની પણ રડીરડીને હાલત ખરાબ થઈ ગઈ છે. તેમના ઘરે લોકોની ભીડ જમા થઈ રહી છે.

ચિત્રકૂટના એસપી મનોજ કુમાર ઝાએ કહ્યું કે બાળકોના શબ સવારે જ મળ્યા છે. અપહરણકર્તાઓની પણ ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે સતનાના એસપી સંતોષસિંહ ગૌરે પણ બાળકોની હત્યાની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: વંદે ભારત ફરી અકસ્માતનો શિકાર, 7 બોગીઓના કાચ અને એન્જિનની બારીઓ તૂટી

3 વિદ્યાર્થીઓ સહિત પાંચની ધરપકડ

બાળકોના અપહરણ તેમજ હત્યાના મામલે પોલીસની ટીમોએ પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમાં ત્રણ વિદ્યાર્થીઓ પણ છે. તેમાં જાનકી કુંડ સતનાના સદ્ગુરૂ સેવા સંઘ ટ્રસ્ટના પુરોહિતનો દીકરો પણ સામેલ છે. ત્રણ અપહરણકર્તા ગ્રામોદય વિશ્વવિદ્યાલય ચિત્રકૂટ સતનાના છે. તેમાંથી 2 વિદ્યાર્થીઓ છે. સતનાથી અપહરણ કરીને ખંડણી વસૂલ્યા પછી બાંદામાં હત્યા કરવામાં આવી.

madhya pradesh uttar pradesh