ટીમ અણ્ણામાં તિરાડ પહોળી થશે, વધુ રાજીનામાં આવશે

20 October, 2011 05:21 PM IST  | 

ટીમ અણ્ણામાં તિરાડ પહોળી થશે, વધુ રાજીનામાં આવશે

બીજા એક સંસ્થાપક નેતા મૌલાના શમૂમ કાઝમી અને મુસ્લિમ નેતાઓ મહમૂદ મદની, સૈયદ રિઝવી અને સૈયદ શાહ ફઝલુર રહેમાન વૈઝી રાજીનામું આપે એવા અહેવાલો આવી રહ્યા છે. સ્વામી અગ્નિવેશ કોર કમિટીમાં હોવા છતાં એનાથી અલગ જ રહે છે. જસ્ટિસ સંતોષ હેગડેએ અણ્ણા કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરે એનો વિરોધ કર્યો છે. અણ્ણાના એક સહયોગીએ કહ્યું હતું કે અમુક મેમ્બર રાજીનામાં આપશે અને અમુક મેમ્બર અણ્ણાના આંદોલનથી દૂર થઈ જશે.

અણ્ણાએ વધુ સુરક્ષાની ના પાડી

જાણીતા ગાંધીવાદી અણ્ણા હઝારેના સાથીદારો પ્રશાંત ભૂષણ અને અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલાઓને પગલે કેન્દ્ર સરકારે અણ્ણા અને તેમના સાથીદારોની સુરક્ષાની સમીક્ષા કરી હતી. કેન્દ્ર સરકાર ટીમ અણ્ણાની સુરક્ષા ચુસ્ત બનાવવા માગે છે, પરંતુ અણ્ણા અને તેમના સહયોગીઓ કહે છે કે અમારે વધારે સુરક્ષાની જરૂર નથી. દરમ્યાન કેજીરીવાલે ઉત્તર પ્રદેશમાં એક રૅલીને સંબોધતાં કહ્યું હતું કે અમારા પરના હુમલાનો હેતુ લોકોનું ધ્યાન જનલોકપાલ બિલથી વિચલિત કરવાનું છે.

સામાજિક ક્ષેત્રે અહમ્ કોરે મૂકવો જોઈએ : અણ્ણા

નવી દિલ્હી : ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાં એક ચાવીરૂપ મેમ્બર સાથેના મતભેદને લીધે મંગળવારે બીજા બે મહત્વના મેમ્બરોએ રાજીનામાં આપ્યાં એને પગલે અણ્ણા હઝારેએ નિરીક્ષણ કર્યું છે કે સામાજિક ક્ષેત્રે અહંકાર બાજુએ મૂકવો જોઈએ અને કોઈ પણ અતાર્કિક ચર્ચાથી મારો જુસ્સો ઓછો નહીં થાય. ૭૪ વર્ષના અણ્ણાએ પોતાના બ્લૉગમાં લખ્યું હતું કે ‘મારા આંદોલને રાજકીય વતુર્ળોમાં અસંગત ચર્ચા શરૂ કરી દીધી છે અને હું એને ગણકારતો નથી. છેલ્લાં ૩૦ વર્ષથી હું રાજકીય શત્રુતાને લીધે થતી અતાર્કિક ચર્ચાઓ અને અર્થઘટનોનો સામનો કરી રહ્યો છું. જોકે આનાથી મારો જુસ્સો ઓછો થયો નથી.’
મૅગ્સેસે અવૉર્ડવિજેતા રાજેન્દ્ર સિંહ અને ગાંધીવાદી પી. વી. રાજગોપાલે મંગળવારે ઔપચારિક રીતે અણ્ણાની ચળવળ સાથે છેડો ફાડ્યો હતો. આ બન્નેએ આ માટે અરવિંદ કેજરીવાલના સરમુખત્યાર વર્તન અને ગ્રુપના રાજકીય આંદોલનનું કારણ આપ્યું હતું.
અણ્ણાએ કહ્યું હતું કે ‘અનેક વાર પ્રૂવ થયું છે કે જો તમે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા હો તો તમારે તમારો અહંકાર છોડી દેવો જોઈએ અને અપમાન ગળી જવું પડે છે. એક સમાજસેવક ત્યારે જ કોઈ રચનાત્મક કાર્ય કરી શકે છે. લોકો હંમેશાં ફળ ધરાવતાં વૃક્ષો તરફ પથ્થર ફેંકે છે, સુકાઈ ગયેલાં વૃક્ષો તરફ કોઈ પથ્થર ફેંકતું નથી. હું મારા અંતરાત્માના અવાજને અનુસરું છું અને બીજા શું કહે છે એની ઉપેક્ષા કરું છું. મારી કરણી કથની જેવી છે. કોઈ સત્યને ખોટું કહેવાની હિંમત કરતું નથી. આ જ મને સત્યના માર્ગ પર ચાલવાનું બળ પ્રદાન કરે છે અને હું આ માર્ગે ચાલતો જ રહીશ.’