મોતનું તાંડવ : હરિદ્વારમાં મચેલી નાસભાગમાં ૧૬થી વધુનાં મોત, ૩૨ ઘાયલ

09 November, 2011 08:26 PM IST  | 

મોતનું તાંડવ : હરિદ્વારમાં મચેલી નાસભાગમાં ૧૬થી વધુનાં મોત, ૩૨ ઘાયલ

 

મૃત્યુ પામનારા ૧૬ જણમાં ૧૪ મહિલાઓ તથા બે પુરુષોનો સમાવેશ છે. મૃત્યુ પામેલા તમામ લોકો મોટી ઉંમરના હતા.

હરિદ્વારમાં આવેલા શાંતિકુંજ આશ્રમની તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના કરનારા આચાર્ય પંડિત શ્રીરામ શર્માની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે યોજવામાં આવેલી આ ઉજવણીમાં બે લાખ લોકો એકઠા થયા હતા. મેદનીએ ગંગા નદીને કિનારે ચંડીદ્વીપ ઘાટ પર પ્રવેશવા માટે ધસારો કરતાં અચાનક જ નાસભાગ શરૂ થઈ હતી. જોકે મૃત્યુઆંકમાં વધારો થવાની દહેશત છે.

આ વિશે વિશેષ માહિતી આપતાં હરિદ્વારના સ્પેશ્યલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ હરબીર સિંહે કહ્યું હતું કે ‘ગૂંગળામણ થવાને લીધે લોકોમાં નાસભાગ મચી હોવાનું માનવામાં આવે છે. જોકે સચોટ કારણ તો તપાસ બાદ જ જાણી શકાશે.’

નાસભાગ થઈ ત્યારે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પ્રેમકુમાર ધુમલ શાંતિકુંજ આશ્રમની યજ્ઞશાળામાં યજ્ઞ કરાવી રહ્યા હતા. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ સૅન્થિલે આ મામલે મૅજિસ્ટેરિયલ તપાસનો આદેશ આપ્યો છે.

મૃત્યુ પામનારા મોટા ભાગના લોકો ઉત્તર પ્રદેશના હતા. બીજેપીએ મૃત્યુ પામેલા લોકોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે એવી કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી છે.

ગાયત્રી પરિવારના વડા ડૉ. પ્રણવ પંડ્યાએ આ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું.

કુંભમેળા બાદ સૌથી વધુ ભીડ

પોલીસસૂત્રોએ કહ્યું હતું કે ‘હરિદ્વારમાં ગઈ કાલે બે લાખ લોકો એકઠા થયા હતા. આ ભીડ કુંભમેળા બાદની સૌથી મોટી ભીડ હતી.’

આશ્રમનું તંત્ર જવાબદાર?

પોલીસ-અધિકારીઓએ નાસભાગ મચવા બદલ શાંતિકુંજ આશ્રમના તંત્રને જવાબદાર ઠરાવતાં કહ્યું હતું કે ‘આચાર્ય પંડિત શ્રીરામ શર્માની શતાબ્દીની ઉજવણીમાં લાખો લોકો એકત્રિત થવાના હોવા છતાં આશ્રમના મૅનેજમેન્ટે જિલ્લા વહીવટી તંત્ર કે પોલીસને વ્યવસ્થામાં સામેલ નહોતાં થવા દીધાં.’

શું બન્યું હતું?

આ સમગ્ર ઘટનાને નજરે નિહાળનાર એક શ્રદ્ધાળુએ કહ્યું હતું કે ‘એકત્રિત થયેલા આસ્થાળુઓ ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે શાંતિકુંજ આશ્રમની યજ્ઞશાળામાં આવેલા ગાયત્રી મહાયજ્ઞના અગ્નિકુંડ પાસે જઈને દર્શન કરવા માગતા હતા. એ દરમ્યાન દર્શન માટે પાછળથી લોકોએ ધક્કામુક્કી કરવાનું શરૂ કર્યું હતું અને થોડી વારમાં તો પરિસ્થિતિ કાબૂની બહાર જતી રહી હતી અને નાસભાગ મચી ગઈ હતી.’

આજથી ઉજવણી બંધ

આ ઘટના બાદ જિલ્લા સત્તાધીશોએ આયોજકોને આ ઉજવણી બંધ રાખવાનું કહ્યું હતું. પાંચ દિવસની આ ઉજવણી ગુરુવાર સુધી ચાલવાની હતી. આયોજકોએ આજે શાંતિકુંજ આશ્રમમાં પ્રાર્થના યોજીને ઉજવણીનું સમાપન કરવાનો નિર્ણય કર્યો છે.

ગૂંગળામણને કારણે મોત : ખંડૂરી

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન બી. એસ. ખંડૂરીએ નાસભાગનો ભોગ બનનારા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લઈને કહ્યું હતું કે ગૂંગળામણને કારણે નાસભાગ મચી હતી.

ભક્તો પર લાઠીચાર્જ થયો હતો?

આયોજનથી દૂર રાખવામાં આવેલી પોલીસે કહ્યું હતું કે ‘શાંતિકુંજ આશ્રમના સ્વયંસેવકોએ જ આ સમગ્ર ઉજવણીની વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી. આ દરમ્યાન લોકોએ ગાયત્રી મહાયજ્ઞનાં દર્શન કરી આહુતિ આપવા માટે ધક્કામુક્કી કરતાં શાંતિકુંજના સ્વયંસેવકોએ તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.’

ગયા વર્ષે પણ નાસભાગ થઈ હતી

ગયા વર્ષે ૧૪ એપ્રિલે મહાકુંભના મેળા દરમ્યાન હરિદ્વારમાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં ૧૨ જણનાં મોત થયાં હતાં.

સોનિયાએ દિલાસો વ્યક્ત કર્યો

કૉન્ગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગઈ કાલે હરિદ્વારમાં નાસભાગ મચી જવાને લીધે થયેલાં ૧૬ જણનાં મોત વિશે દિલાસો વ્યક્ત કર્યો હતો અને ઈજાગ્રસ્તોને રાહત માટે સ્થાનિક સત્તાધીશોને તાત્કાલિક પગલાં લેવા કહ્યું હતું.

કેન્દ્ર સરકાર તરફથી એક લાખનું વળતર

વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે હરિદ્વારમાં નાસભાગને કારણે મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને એક લાખ રૂપિયા તથા ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી તથા આ ઘટના વિશે દુ:ખ વ્યક્ત કર્યું હતું.