17 April, 2026 11:00 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના હાપુડમાંથી જપ્ત થયેલું ૧૫,૦૦૦ કિલો મધ નકલી નીકળ્યું છે. એનો લૅબોરેટરી રિપોર્ટ ખળભળાવી નાખનારો છે. ફૂડ સેફ્ટી ઑફિસરે કહ્યું હતું કે આ મધમાં રાઇસ સિરપની ભેળસેળ કરવામાં આવી છે અને એનાથી તબિયત ખરાબ પણ થઈ શકે છે. ફૂડ સેફ્ટી વિભાગે હાપુડની મુખ્ય માર્કેટનાં ગોદામોમાં રેઇડ પાડીને ૧૫,૦૦૦ કિલો શંકાસ્પદ મધનો જથ્થો જપ્ત કર્યો હતો. ૫૦૦ કેન ભરીને રખાયેલા મધની કિંમત લગભગ બાવીસ લાખ રૂપિયા છે. આ મધનાં સૅમ્પલ લૅબોરેટરીમાં નાપાસ થયાં હતાં. એમાં મધમાખીએ ચૂસેલા રસનો અંશ પણ નહોતો. ખાંડ અને ચોખાના સિરપ ઉપરાંત એમાં કેટલીક ઍન્ટિ-બાયોટિક દવાઓની મેળવણી પણ કરવામાં આવી હતી જે વધુ હાનિકારક હતી.