પંજાબના પઠાનકોટમાં પકડાયો ૧૫ વર્ષનો પાકિસ્તાની જાસૂસ

07 January, 2026 11:09 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

ટીનેજરના મોબાઇલમાંથી ભારતીય સૈન્યના અડ્ડાઓની તસવીરો અને વિડિયો ISIને મોકલ્યાં હોવાના પુરાવા મળ્યા

પાકિસ્તાન માટે જાસૂસી કરતો ટીનેજર.

પાકિસ્તાનની આર્મીના અધિકારીઓ અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) માટે જાસૂસી કરતા ૧૫ વર્ષના એક છોકરાને પઠાનકોટ પોલીસે પકડી લીધો હતો. આ ટીનેજર જાસૂસી કરતો હતો એ જાણીને એ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને તેનો કોઈ સાથી કે પાકિસ્તાની સ્લીપર સેલ ઍક્ટિવ હોય તો એની શોધમાં પોલીસ લાગી છે. થોડા દિવસથી આ‌ ટીનેજર પઠાનકોટનાં સૈન્યનાં ઠેકાણાંઓની રેકી કરતો હતો અને એની સૂચના પાકિસ્તાની સેનાને પહોંચાડતો હતો. ISIનો એક જાસૂસ મળવો એ આ વિસ્તારમાં બહુ મોટું ષડયંત્ર થઈ રહ્યું હોવા તરફ ઇશારો કરે છે.
તેના મોબાઇલમાંથી શંકાસ્પદ ડેટા મળ્યો છે. જમ્મુ-કાશ્મીરના સાંબામાં રહેતા આ કિશોરના મોબાઇલમાં ભારતમાં અશાંતિ ફેલાવવાના ઇરાદાથી રહેતાં દેશવિરોધી તત્ત્વો અને આતંકવાદીઓના નંબર હતા. તેના ફોનમાં ભારતીય સેના અને સ્થળો સંબંધિત સંવેદનશીલ જાણકારી, ફોટો અને વિડિયો તેમ જ જાસૂસી કરેલો ડેટા સ્ટોર થયેલો હતો.

પોલીસે કરેલી કડક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ટીનેજરના પિતા દોઢ વર્ષ પહેલાં વિદેશમાં મૃત્યુ પામ્યા હતા. તેને લાગતું હતું કે તેના પિતાનું મર્ડર થયું છે એટલે તે ડિપ્રેશનમાં હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે ટીનેજર આઠમું ધોરણ પાસ છે અને નવમા ધોરણમાં નાપાસ થયો હતો. એ પછી તે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ભડકાઉ પોસ્ટ મૂકવા લાગ્યો અને ત્યાંથી ISIએ તેનો સંપર્ક કરીને તેને કામ માટે તૈયાર કર્યો હતો. તેના ફોન-રેકૉર્ડમાં પઠાનકોટના સૈન્ય-બેઝની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફ્સ મળ્યાં હતાં જે તેણે પાકિસ્તાની સેનાને મોકલ્યાં હોવાનો પુરાવો પણ છે.

national news india pakistan Crime News punjab