નાગાલૅન્ડમાં સુરક્ષા કર્મચારીઓના ટાર્ગેટ પર હતા ઉગ્રવાદીઓ, માર્યા ગયા ૧૩ રોજમદારો

06 December, 2021 08:43 AM IST  |  Guwahati | Gujarati Mid-day Correspondent

ખોટી ઓળખના કારણે કરાયેલા ગોળીબારથી ગ્રામજનોમાં રોષ, સુરક્ષા કર્મચારીઓનાં ત્રણ વેહિકલ્સને આગ લગાડાઈ, એક જવાનનું મોત

નાગાલૅન્ડમાં સુરક્ષા કર્મચારીઓના ઑપરેશનમાં નાગરિકો માર્યા ગયા બાદ અહીંના ફેમસ હોર્નબિલ ફેસ્ટિવલને રદ કરી દેવામાં આવ્યો છે. અહીં કિસામમાં હોર્નબિલ ફેસ્ટિવલના વેન્યુ પર કાળો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. રવિવારે બપોરે ઉશ્કેરાયેલા ટોળાએ નાગાલૅન્ડના મોન જિલ્લામાં આસામ રાઇફલ્સના કૅમ્પ અને ઑફિસમાં તોડફોડ મચાવી હતી. (તસવીર : પી.ટી.આઇ.)

નાગાલૅન્ડમાં શનિવારે ઉગ્રવાદીઓની વિરુદ્ધના એક ઑપરેશન દરમ્યાન ભૂલથી સુરક્ષા કર્મચારીઓના નિશાના પર ઉગ્રવાદીઓના બદલે ગામના લોકો આવી ગયા હતા. મ્યાનમારની બોર્ડર પાસે બનેલી આ ઘટનામાં ૧૩ ગ્રામજનો અને એક સૈનિકનાં મોત થયાં હતાં. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે રાજ્ય દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ બનાવની તપાસ કરશે.  
અધિકારીઓએ જણાવ્યું હતું કે મોન જિલ્લામાં ઓટિંગ ગામનું રોજમદારોનું એક ગ્રુપ એક પિક-અપ વૅનમાં કોલસાની એક ખાણમાંથી તેમના ઘરે પાછું ફરી રહ્યું હતું, એ સમયે સિક્યૉરિટી ફોર્સીસ ઉગ્રવાદીઓ વિરુદ્ધના એક ઑપરેશનને પાર પાડવા માટે સજ્જ હતા. તેમને ઉગ્રવાદીઓની મુવમેન્ટ વિશે બાતમી મળી હતી. જોકે તેમણે ભૂલથી ટિરુ-ઓટિંગ રોડ પર આ રોજમદારોને લઈને જતી પિક-અપ વૅન પર ગોળીબાર કર્યો હતો. 
અનેક કલાકો સુધી આ ગામના લોકો પાછા ન ફરતા ગામમાંથી વોલન્ટિયર્સ તેમને શોધવા નીકળ્યા હતા. જોકે તેમને વૅનમાં તેમના મૃતદેહ મળ્યા હતા. ગુસ્સામાં સ્થાનિક લોકોએ સિક્યૉરિટી ફોર્સીસના ત્રણ વેહિકલ્સને આગ લગાવી હતી. 
ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ સુરક્ષા દળોને ઘેરી લીધા હતા. સુરક્ષા દળોએ ‘સેલ્ફ ડિફેન્સ’માં ટોળા પર ફાયરિંગ કરતાં ઓછામાં ઓછા સાત જણને ઈજા થઈ હતી. 
આર્મીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘બળવાખોરોની સંભવિત મુવમેન્ટ વિશે વિશ્વસનીય બાતમીના આધારે નાગાલૅન્ડના મોન જિલ્લાના તિરુના એરિયામાં એક ચોક્કસ ઑપરેશન માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. તે પછી જે ઘટના બની છે એ સદંતર ખેદજનક છે. ગ્રામજનોના કમનસીબ મૃત્યુનું કારણ જાણવા સર્વોચ્ચ સ્તરે તપાસ થઈ રહી છે અને કાયદા અનુસાર યોગ્ય પગલાં લેવામાં આવશે.’
આ સ્ટેટમેન્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ ઘટનામાં કેટલાક સુરક્ષા કર્મચારીઓને ગંભીર ઈજા થઈ છે અને એક સૈનિકે પણ જીવ ગુમાવ્યો છે. મોન એરિયા વાસ્તવમાં નાગા ગ્રુપ એનએસસીએન (કે) તેમ જ ઉલ્ફાનો પણ ગઢ છે.

national news nagaland