ગુજરાતનાં પાંચ રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરાશે

06 August, 2022 08:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રેલવેપ્રધાને કહ્યું કે ૨૦૨૩ સુધીમાં ૧૨૫૩ રેલવે સ્ટેશનનો વિકાસ અને સુશોભીકરણ કરવામાં આવશે

કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ (ફાઇલ તસવીર)

કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે રાજ્યસભામાં માહિતી આપતાં કહ્યું હતું કે ૨૦૨૩ સુધીમાં દેશભરમાંનાં કુલ ૧૨૫૩ રેલવે-સ્ટેશનોને અપગ્રેડ કરવાનું નક્કી થયું હતું. એમાંથી ૧૨૧૫ સ્ટેશનો અપગ્રેડ થઈ ગયાં છે, જ્યારે બાકીનાં સ્ટેશનોને આદર્શ સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવશે.

બીજેપીના સંસદસભ્ય નરહરી અમીનને એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે ઉપરોક્ત માહિતી આપી હતી. ‘સ્ટેશનોનું મુખ્ય અપગ્રેડેશન’ યોજના હેઠળ ગુજરાતમાં કુલ પાંચ સ્ટેશનો જેમ કે ઊધના, સુરત, સોમનાથ, સાબરમતી બ્રૉડગેજ અને મીટરગેજ તથા ન્યુ ભુજની ઓળખ કરવામાં આવી છે.

સરકાર દ્વારા દેશનાં રેલવે-સ્ટેશનોનું બ્યુટિફિકેશન કરવામાં આવશે કે નહીં એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે રેલ મંત્રાલયે ભારતનાં રેલવે-સ્ટેશનોના અપગ્રેડેશન અને બ્યુટિફિકેશન માટે ‘મૉડલ, મૉડર્ન અને આદર્શ સ્ટેશન સ્કીમ’ જેવી વિવિધ યોજના તૈયાર કરી છે. 

હાલમાં રેલવે-સ્ટેશનો પર વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આદર્શ સ્ટેશન સ્કીમ હેઠળ રેલવે સ્ટેશનોને અપગ્રેડ અને એનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે.  

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે વધુમાં ઉમેર્યું હતું કે રેલવે-સ્ટેશનોમાં મોટા સુધારા માટે હાલમાં નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધી બાવન સ્ટેશનો અલગ તારવવામાં આવ્યાં છે.  

આદર્શ સ્ટેશન યોજના હેઠળ બ્યુટિફિકેશન અને સ્ટેશનોના અપગ્રેડેશન પરના ખર્ચ માટે સામાન્ય રીતે પ્લાન હેડ-૫૩ ‘ગ્રાહક સુવિધાઓ’ હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું.

નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ દરમ્યાન પ્લાન હેડ-૫૩ હેઠળ ૨૩૪૪.૫૫ કરોડ રૂપિયાની તેમ જ ચાલુ નાણાકીય વર્ષમાં ૨૭૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી એમ  અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું.

ગુજરાતનાં રેલવે-સ્ટેશનો આ યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યાં છે કે નહીં?’ એના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં આદર્શ સ્ટેશન સ્કીમ હેઠળ ૩૨ સ્ટેશનોને ઓળખવામાં આવ્યાં હતાં. આ તમામ ૩૨ સ્ટેશનોને આદર્શ સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવ્યાં છે.

આ ૩૨ સ્ટેશનોમાં આંબલી રોડ, બેચરાજી, ભક્તિનગર, ભાણવડ, ભટારિયા, દાહોદ, ગાંધીધામ, ગાંધીગ્રામ, હિંમતનગર, જામનગર, કડી, ખંભાલિયા, કિમ, ઓટ કોસંબા, લાલપુરજામ, મણિનગર, નવસારી, નવા ભુજ, ઓખા, પાલનપુર, સાબરમતી, સિદ્ધપુર, ઊધના, ઊના, ઊંઝા, વડનગર, વિજાપુર, વીસનગર, વ્યારા, ગાંધીનગર કૅપિટલ, સાબરમતી-બ્રૉડગેજ અને પાટણનો સમાવેશ છે. 

national news indian railways