કેરલામાં ૧૨ વર્ષના છોકરાનું નિપાહ વાઇરસથી થયું મૃત્યુ

06 September, 2021 12:10 PM IST  |  Thiruvananthapuram | Agency

કોવિડ-19ની બીમારીમાંથી સ્વસ્થ થયા બાદ પણ તેનો તાવ ન ઊતરતાં તેને કોઝિકોડ મેડિકલ કૉલેજમાં અને ત્યાર બાદ ૧ સપ્ટેમ્બરે એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

પ્રતીકાત્મક તસવીર

નિપાહ વાઇરસ નામના નવા વિષાણુથી પીડિત કોઝિકોડના રહેવાસી ૧૨ વર્ષના એક છોકરાનું મૃત્યુ થયું છે. થિરુવનંથપુરમની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ગઈ કાલે આ છોકરાનું નિધન થતાં સત્તાવાળાઓ ચોંકી ગયા હતા. તાજેતરમાં જ કોવિડ-19ની બીમારીમાંથી સ્વસ્થ થયા બાદ પણ તેનો તાવ ન ઊતરતાં તેને કોઝિકોડ મેડિકલ કૉલેજમાં અને ત્યાર બાદ ૧ સપ્ટેમ્બરે એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડૉક્ટર અને અન્ય વિશેષજ્ઞોની ટીમને આ રોગનો તેમ જ તેની આસપાસના વિસ્તારનો અભ્યાસ કરવા તાબડતોબ નિયુક્ત કરી છે. આ ટીમ ગઈ કાલે સવારે કોઝિકોડ પહોંચવાની શક્યતા છે.
કેરલામાં નિપાહ વાઇરસનો આ પ્રથમ બનાવ નથી. ૨૦૧૮માં કોઝિકોડ અને માલાપુરમ જિલ્લામાં નિપાહ વાઇરસને કારણે ૧૭ જણનાં મૃત્યુ થયાં હતાં અને બીજા ૧૮ જણ બીમાર પડ્યા હતા.

42,766
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ આટલા નવા કેસ અને ૩૦૮ મૃત્યુ નોંધાયા હતા.

14
ગુજરાતમાં કોવિડના આટલા નવા કેસ નોંધાતાં રાજ્યમાં સંક્રમિત થઈ ચૂકેલા લોકોની કુલ સંખ્યા ૮,૨૫,૪૯૦ ઉપર પહોંચી છે.

નિપાહ વાઇરસ શું છે?
આ એવો વિષાણુ છે જે ચામાચીડિયામાંથી પ્રાણીમાં અને પછી માનવમાં પ્રવેશે છે. ચામાચીડિયામાંથી નિપાહ વાઇરસ ડુક્કર, શ્વાન, ઘોડા વગેરે પ્રાણીમાં આવે છે. આ વિષાણુ ગંભીર બીમારી લાવે છે, જેનાથી પ્રાણી કે માનવીનું મૃત્યુ થઈ શકે છે.

national news kerala coronavirus