માનસિંહ હત્યાકાંડ: 35 વર્ષે ચુકાદો, 11 પોલીસને આજીવન કારાવાસ

23 July, 2020 11:08 AM IST  |  Mathura | Agencies

માનસિંહ હત્યાકાંડ: 35 વર્ષે ચુકાદો, 11 પોલીસને આજીવન કારાવાસ

માનસિંહ હત્યાકાંડ

રાજસ્થાનના ભરતપુરના રાજા માનસિંહ હત્યાકાંડમાં ૩૫ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે અને ડીએસપી સહિત ૧૧ પોલીસ કર્મચારીને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેઓ બધાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. જયારે ત્રણને છોડી મુકવામાં આવ્યા છે. આ ચુકાદો મથુરાની સેશન કોર્ટના ન્યાયાધીશ સાધના રાની ઠાકુર દ્વારા આપવામાં આવ્યો હતો. દોષી જાહેર થતાં જ બધા અપરાધીઓને સુરક્ષા સાથે જેલ મોકલી દેવામાં આવ્યા છે.

રાજા માનસિંહ ખેડૂતોમાં રાજાના નામથી જાણીતા હતા, તેઓએ રાજસ્થાનના તત્કાલીન મુખ્ય પ્રધાનના હેલિકૉપ્ટર અને મંચને પોતાની જીપથી ટક્કર મારી દીધી હતી અને મંચને તોડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ પોલીસ કર્મચારીઓએ તેમના પર ગોળીઓ ચલાવી તેમની હત્યા કરી નાખી હતી.

આ ઘટના ૧૯૮૫માં બની હતી, ૩૫ વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે અને બુધવારે બધા જ અપરાધીઓને સજા સંભળાવવામાં આવશે. રાજા માનસિંહનું પોલીસે ફેક એન્કાઉન્ટર કર્યું હતું, જે પોલીસ કર્મચારીઓ આ કેસમાં દોષી જાહેર કરાયા છે તેમાં સીઓ કાનસિંહ ભાટી, વિરેન્દ્ર સિંહ સહિત ૧૧ પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

આ ઘટનાની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી, કેમ કે રાજા માનસિંહની હત્યા બાદ લોકોમાં એટલો રોષ હતો કે રાજસ્થાનના મુખ્ય પ્રધાનને જ બદલી નાખવા પડયા હતા. તે સમયે રાજસ્થાનના મુખ્ય પ્રધાન શિવચરણ માથુર હતા અને કૉન્ગ્રેસ હાઈ કમાન્ડે હીરાલાલ દેવપુરીને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. રાજા માનસિંહના પરિવારે હાર નહોતી માની અને આટલાં વર્ષો સુધી તેઓ કેસ લડતા રહ્યા. જોકે જે પોલીસ કર્મચારીઓને દોષી જાહેર કરવામાં આવ્યા છે તેઓમાંથી ઘણા નિવૃત્ત થઈ ગયા હશે અને કેટલાક વૃદ્ધાવસ્થામાં પણ પ્રવેશ કરી ચૂકયા હશે.

rajasthan mathura national news