CBSE 10th Result: 91.46 ટકા વિદ્યાર્થીઓ પાસ, વિદ્યાર્થિનીઓએ મારી બાજી

19 July, 2020 10:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

CBSE 10th Result: 91.46 ટકા વિદ્યાર્થીઓ પાસ, વિદ્યાર્થિનીઓએ મારી બાજી

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની દસમા ધોરણની પરીક્ષાઓનું પરિણામ આજે જાહેર થયું છે. આ વર્ષનું પરિણામ 91.46 ટકા આવ્યું છે. બોર્ડે મેરિટ લિસ્ટ વગર જ પરિણામ જાહેર કર્યું છે. ગયા વર્ષની સરખામણીમાં માત્ર 0.36 ટકા સારું પરિણામ આવ્યું છે. ગયા વર્ષે પરિણામ 6 મેના રોજ આવ્યા હતા. પરંતુ આ વર્ષે કોરોના વાયરસને કારણે પરિણામ લંબાઈ ગયું હતું. 15 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પરીક્ષા પહેલાં મુલતવી રાખવામાં આવી અને બાદમાં રદ કરવામાં આવી હતી.

99.28 ટકા પરિણામની સાથે 16 ક્ષેત્રમાંથી ત્રિવેન્દ્રમ પ્રથમ સ્થાને છે. જ્યારે 79.12 ટકા સાથે ગુવાહાટી સૌથી નીચા ક્રમે છે. આ વર્ષે પણ છોકરીઓએ બાજી મારી છે. 93.31 ટકા છોકરીઓ પાસ થઈ છે. જ્યારે 90.14 ટકા છોકરાઓ પાસ થયા છે. કુલ 1,84,358 વિદ્યાર્થીઓને 90 ટકા કરતા વધુ ટકા આવ્યા છે. જ્યારે 41,804 વિદ્યાર્થીઓને 95 ટકા કરતા વધુ ટકા આવ્યા છે.

અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CBSEએ જાણકારી આપી હતી કે, બોર્ડનાં પરિણામ 15 જૂલાઈ સુધી જાહેર કરવામાં આવશે. આ ક્રમમાં 12મા ધોરણનું પરિણામ 13 જૂલાઈએ અચાનક જાહેર કરવામાં આવ્યું. ત્યારથી  વિદ્યાર્થીઓ આતુરતાથી 10મા ધોરણનાં પરિણામની રાહ જોઈ રહ્યાં હતાં.

આ વર્ષે 10મા ધોરણમાં લગભગ 18 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જો કે, કોરોનાના કારણે 10મા ધોરણની પરીક્ષાઓ 19 માર્ચ 2020ના રોજ મુલતવી રાખવામાં આવી હતી. તે સમયે દસમાનાં ચાર વિષયની પરીક્ષા બાકી હતી. તેમજ ઉત્તર-પૂર્વ દિલ્હીની લગભગ 86 સ્કૂલોમાં 10મા ધોરણની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી 2020થી મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બાકીની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. તેમજ લૉકડાઉનને લીધે સર્જાયેલી પરિસ્થિતીને લીધે મેરિટ લિસ્ટ વગર અને ટોર્પસ લિસ્ટ વિના પરિણામ જાહેર કર્યું છે. બારમાના વિદ્યાર્થીઓની જેમ જ દસમા ધોરણના વિદ્યાર્થીઓને ડિજિટલ માર્કશીટ આપવામાં આવશે.

national news 10th result central board of secondary education