ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું

05 August, 2012 04:35 AM IST  | 

ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું

ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં તથા પૂરને કારણે ૩૧ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૧૦૦થી વધુ લોકો લાપતા છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં પણ વાદળ ફાટવાથી બેનાં મોત નીપજ્યાં હતાં. ઉત્તરાખંડમાં ઠેર-ઠેર પૂર તથા ભેખડો ધસી પડવાથી રસ્તા બંધ થઈ ગયા હતા જેને કારણે ચારધામની યાત્રા અટકાવી દેવામાં આવી છે.

ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં વાદળ ફાટવાથી ગણતરીની મિનિટોમાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતાં રાજ્ય સરકારે હાઈ અલર્ટનો આદેશ આપ્યો હતો. ભાગીરથી અને અસ્સી ગંગા નદીની જળસપાટી વધવાથી આસપાસના વિસ્તારોમાં વિનાશ વેરાયો છે. જુદાં-જુદાં સ્થળોએ ૨૬ લોકો તણાઈ ગયા હતા, જ્યારે ૨૦૦થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે. પોલીસે મોડી રાતે ૩૦૦થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. બીજી તરફ ગંગોત્રીને જોડતા હાઇવે પર ગંગોરી ગામ પાસે આવેલો પુલ તૂટી પડતાં રસ્તો બંધ થઈ ગયો છે. હરિદ્વારમાં પણ ગંગાની સપાટી વધતાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે.  

ઉત્તર પ્રદેશ અને કાશ્મીરમાં ભારે વરસાદ

નેપાલથી છોડવામાં આવેલા પાણીને કારણે ઉત્તર પ્રદેશની ઘાઘરા નદીમાં ભારે પૂર આવતાં અવધ વિસ્તારનાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયાં હતાં, જેને કારણે હજારો લોકોને રાતોરાત પલાયન કરવાની ફરજ પડી હતી. ઉત્તર પ્રદેશના બારાબંકી, સીતાપુર, લખીમપુર ખીરી તથા પીલીભીત જિલ્લામાં સૌથી વધુ અસર થઈ છે.

બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ખીણવિસ્તારમાં શુક્રવારે રાત્રે એકધારા ભારે વરસાદથી તબાહી મચી ગઈ હતી. પૂરનાં પાણી ફરી વળતાં જમ્મુ અને શ્રીનગરની આસપાસના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાની ફરજ પડી હતી. ભારે વરસાદને કારણે કાશ્મીરના તાપમાનમાં ધરખમ ઘટાડો થયો હતો. ગઈ કાલે ૫.૨ મિમી વરસાદ પડ્યા બાદ શ્રીનગરમાં તાપમાન ૨૧.૨ ડિગ્રી સેલ્સિયસથી ઘટીને ૧૯.૨ ડિગ્રી નોંધાયું હતું.