કૅબમાં ઊંઘી ગયેલી યુવતીને પીંખનારો ટૅક્સી-ડ્રાઇવર મથુરામાં ઝડપાયો

08 December, 2014 05:28 AM IST  | 

કૅબમાં ઊંઘી ગયેલી યુવતીને પીંખનારો ટૅક્સી-ડ્રાઇવર મથુરામાં ઝડપાયો




૨૦૧૨ની ૧૬ ડિસેમ્બરે દેશભરમાં ખળભળાટ મચાવનારી દિલ્હીમાં ચાલતી બસમાં ગૅન્ગરેપની ઘટનાની યાદ તાજી કરાવનારી રેપની વધુ એક ઘટના કૅબમાં બની એથી દેશની રાજધાનીમાં હલચલ મચી ગઈ છે. પાંચમી ડિસેમ્બરે દિલ્હીના ઇન્દ્રલોક વિસ્તારમાં ગુડગાંવની એક કંપનીની મહિલા-એક્ઝિક્યુટિવ પર રેપની ઘટનાના મુખ્ય આરોપી કૅબ-ડ્રાઇવર શિવકુમાર યાદવ સહિત અન્યોની પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી. પોલીસે આ ઘટનામાં બદનામ ઉબર કૅબની આ કાર મથુરાથી ઝડપી લીધી હતી. જોકે આ કૅબમાં નિયમ પ્રમાણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પણ લગાવેલી નહોતી અને ડ્રાઇવર માટે જરૂરી પોલીસ વેરિફિકેશન પણ કંપનીએ કરાવ્યું નહોતું.દિલ્હી પોલીસે જણાવ્યા પ્રમાણે આરોપી કૅબ-ડ્રાઇવર પાસે કોઈ બેજ પણ નહોતો. એ ઉપરાંત કૅબ કંપનીની કેટલીક બેદરકારીઓ પણ સામે આવી છે. જોકે કૅબ કંપની ઉબરે સફાઈ કરી છે કે કંપની સુરક્ષાને પ્રાધાન્ય આપે છે અને આરોપી ડ્રાઇવરને સસ્પેન્ડ કરી  દેવાયો છે. જોકે આ ઘટનાએ દેશની રાજધાનીમાં પોલીસની પોલ અને મહિલા-સુરક્ષાના મોટા-મોટા વાયદાની પોલ ખોલી નાખી છે. પાંચમી ડિસેમ્બરે રાતે બનેલી આ ઘટના પ્રમાણે એક કંપનીની મહિલા-એક્ઝિક્યુટિવે દિલ્હીના વસંતવિહાર વિસ્તારમાંથી પોતાના ઘરે જવા માટે મોબાઇલ-ઍપની મદદથી કૅબ મગાવી હતી. એમાં સવાર થયા બાદ તેને રસ્તામાં ઊંઘ આવી ગઈ હતી જેનો ગેરફાયદો ઉઠાવીને કૅબ-ડ્રાઇવર કારને સૂમસામ રસ્તે લઈ ગયો હતો અને મહિલા પર રેપ કર્યો હતો.


ઘટના કેવી રીતે બની?


ગુડગાંવની એક ફાઇનૅન્સ કંપનીની મહિલા-એક્ઝિક્યુટિવ પોતાના મિત્રો સાથે ગુડગાંવના એક પબમાં પાર્ટી માટે ગઈ હતી. એકાદ કલાક પછી બધાં પબમાંથી બહાર નીકળીને વસંતવિહારના અન્ય એક પબમાં જવા નીકળ્યાં હતાં.સલામતીથી પહોંચી શકાય એવું વિચારીને પોતાના મોબાઇલ ફોનની ઍપ્લિકેશનના માધ્યમથી જાણીતી અમેરિકન કૅબ કંપની ઉબરની કૅબ બોલાવી હતી. લગભગ સાડાદસેક વાગ્યે ટૅક્સી આવ્યા બાદ એમાં બેસીને ઉત્તર દિલ્હીના ઇન્દ્રલોકમાં પોતાના ઘરે જવા રવાના થઈ હતી. જોકે થોડી વારમાં જ તેને ઊંઘ આવી ગઈ હતી. ઊંઘ આવી ગયા બાદ કાર ક્યાં પહોંચી ગઈ હતી એનો તેને ખ્યાલ જ નહોતો રહ્યો. ઘસઘસાટ ઊંઘમાંથી રાત્રે ૧૧ વાગ્યે સફાળી જાગી ત્યારે જોયું તો કૅબનો ડ્રાઇવર કૅબની પાછળની સીટ પર તેને બાથમાં લઈને છેડતી કરી રહ્યો હતો. તેણે મદદ માટે બૂમબરાડા પાડ્યા, પરંતુ કૅબ એવી સૂમસામ જગ્યાએ હતી કે તેની બૂમો સાંભળનારું કોઈ નહોતું. તેના પર બળજબરી શરૂ થઈ હતી. ડ્રાઇવરે તેને પેટમાં સળિયો ઘુસાડીને પતાવી દેવાની ધમકી આપી હતી અને આ યુવતી પોતાને કોઈ નુકસાન ન પહોંચાડવાની ડ્રાઇવરને હાથ જોડીને આજીજી કરતી રહી હતી. ડ્રાઇવરે કારમાં જ તેના પર રેપ કર્યો હતો અને તેના ફોન પરથી પોતાના ફોન પર મિસ્ડ કૉલ કરીને ધમકી આપી હતી કે તારો ફોન-નંબર મારી પાસે આવી ગયો છે. જો આ રેપ બાબતે કોઈને વાત કરીશ તો મારી નાખીશ. લગભગ દોઢેક કલાક ડ્રાઇવરે તેને પીંખી હતી અને ત્યાં સુધીમાં મધરાત બાદ એક વાગ્યાનો સમય થયો હતો.


છોડીને ભાગી ગયો


ત્યાર બાદ કૅબમાંથી તેને મધરાત બાદ એકાદ વાગ્યે ઇન્દ્રલોકમાં એક જગ્યાએ ઉતારીને ડ્રાઇવરે ટૅક્સી મારી મૂકી હતી. જોકે કારમાંથી ઊતરીને તરત જ તેણે પોતાના મોબાઇલ પર ભાગી રહેલી કૅબના ફોટો પાડી લીધા હતા અને પોતાના મિત્રોને ફટાફટ મેસેજ મોકલતી હતી, પરંતુ તેના મેસેજ તો ડ્રાઇવરને પહોંચ્યા હતા. એ મેસેજ વાંચીને ડ્રાઇવરે તેને ફોન કરીને ફરીથી ધમકી આપી હતી. આ યુવતીએ પોલીસનો ઇમર્જન્સી નંબર ૧૦૦ ડાયલ કરીને આપવીતી વર્ણવી હતી. તરત જ પોલીસ-વૅન તેણે બતાવેલી જગ્યાએ પહોંચી ગઈ હતી અને યુવતીને સરાય રોહિલ્લા પોલીસ-સ્ટેશને પહોંચાડી હતી. મેડિકલ-ટેસ્ટ કરીને પોલીસે ફસ્ર્ટ ઇન્ફર્મેશન રર્પિોટ નોંધ્યો હતો. દિલ્હી પોલીસે ઠેર-ઠેર આરોપીને પકડી લેવા દોડધામ શરૂ કરી હતી, પરંતુ તે ખૂબ દૂર નીકળી ગયો હતો.


આરોપી કઈ રીતે પકડાયો?


પોલીસે તેને જ્યાં આ ઘટના બની હતી એ જગ્યા બતાવવાનું કહ્યું હતું. પરંતુ રાતના અંધારામાં આ ચોક્કસ જગ્યાની તેને ખબર જ નહોતી. પોલીસ પાસે પગેરું મેળવવા માટે માત્ર આ યુવતીએ ટૅક્સી બુક કરાવવા માટે ઉપયોગમાં લીધો હતો એ મોબાઇલ સૉફ્ટવેર જ હતો. આખરે ૩૨ વર્ષનો ડ્રાઇવર તેના મોબાઇલ ફોન થકી જ મથુરામાં ગઈ કાલે તેના ઘરેથી જ પકડાયો હતો.