ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી

12 December, 2012 06:26 AM IST  | 

ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી



જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા તથા પાટનગર દિલ્હી સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે ગઈ કાલે ઉત્તર ભારતમાં તાપમાનમાં ધરખમ ઘટાડો થયો હતો. દિલ્હીમાં આગલા દિવસની સરખામણીએ તાપમાનમાં નવ ડિગ્રીનો ઘટાડો થયો હતો. દિલ્હીનું કાલનું લઘુતમ તાપમાન ૧૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. કાશ્મીરમાં પણ ગુલમર્ગ અને શોપિયાન સહિતના ખીણ વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઈ હતી. ગુલમર્ગમાં કાલે માઇનસ ૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શ્રીનગર શહેરમાં પણ માઇનસ ૧.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ તરફ હિમાચલ પ્રદેશમાં કાલે સીઝનની પહેલી બરફવર્ષા થઈ હતી. શિમલા, મનાલી સહિતના વિસ્તારોમાં પાંચથી ૧૫ સેન્ટિમીટર બરફ પડ્યો હતો. ઉત્તરાખંડના કુમાઉ અને ગઢવાલ વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટ્યું હતું.