રામગોપાલ યાદવનું વિવાદિત નિવેદન, કહ્યું 'વોટ માટે જવાનોની થઈ હત્યા'

21 March, 2019 06:21 PM IST  |  લખનઉ

રામગોપાલ યાદવનું વિવાદિત નિવેદન, કહ્યું 'વોટ માટે જવાનોની થઈ હત્યા'

સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ

જમ્મુ કાસ્મીરના પુલવામા હુમલા મામલે હવે સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે સવાલ ઉઠાવ્યા છે. રામગોપાલ યાદવે પુલવામામાં થયેલા આતંકી હુમલાને ષડયંત્ર ગણાવ્યું છે. રામગોપાલ યાદવે કહ્યું કે વોટ માટે જવાનોની હત્યા થઈ છે. રામગોપાલના નિવેદન બાદ વિવાદ પણ સર્જાયો છે.

સૈફઈમાં હોળી મિલન સમારોહ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવની હાજરીમાં રામગોપાલ યાદવે કહ્યું કે,'પેરામિલિટ્રી ફોર્સ પણ સરકારના કારણે દુઃખી છે. વોટ માટે જવાનોની હત્યા થઈ છે. જમ્મુ-શ્રીનગર વચ્ચે ચેકિંગ જ નહોતું થયું. જવાનોને સામાન્ય બસમાં મોકલાયા. આ એક ષડયંત્ર હતું. હાલ હું કશું કહેવા નથી માંગતો, પરંતુ જ્યારે સરકાર બદલાશે ત્યારે તેની તપાસ થશે અને મોટા મોટા લોકો ફસાશે.'

ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતાના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. રામગોપાલ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નિકટતમ મનાય છે. ત્યારે રામગોપાલનું આ નિવેદન સમાજવાદી પાર્ટી માટે મુશ્કેલી સર્જી શકે છે.

સપાના નેતાના નિવેદન બાદ ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. યુપી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે રામગોપાલનું નિવેદન નિમ્ન સ્તરના રાજકારણનું ઉદાહરણ છે. CRPFના જવાનોની શહીદી પર સવાલ ઉભો કરવા માટે અને જવાનોનું મનોબળ તૂટે તેવું નિવેદન આપવા માટે તેમણે જનતાની માફી માગવી જોઈેએ.

ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસના નેતા બી. કે. હરિપ્રસાદે પણ પુલવામા મામલે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે પણ હુમલા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે,'જો પુલવામા હુમલાના ઘટનાક્રમ પર નજર કરીએ તો ખબર પડશે કે નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાન વચ્ચે મેચ ફિક્સ હતી.'

આ પણ વાંચોઃ JK:અખનૂર સેક્ટરના કેરી બટલ વિસ્તારમાં પાક.નો ગોળીબાર, એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા હતા. પુલવામા જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર વિસ્ફોટકો ભરેલી કાર સીઆરપીએફના જવાનોની બસ સાથે અથડાવી તેમાં વિસ્ફોટ કરાયો હતો. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી.

samajwadi party akhilesh yadav Election 2019 national news