રાફેલ ડીલઃસંસદમાં આજે રજૂ થઈ શકે છે CAGનો રિપોર્ટ, કોંગ્રેસ આક્રમક

11 February, 2019 10:49 AM IST  | 

રાફેલ ડીલઃસંસદમાં આજે રજૂ થઈ શકે છે CAGનો રિપોર્ટ, કોંગ્રેસ આક્રમક

પ્રતીકાત્મક તસવીર

દેશમાં બહુચર્ચિત રાફેલ ડીલનો મામલો આજે સંસદમાં ફરી એકવાર ગૂંજે તેવી શક્યતા છે. ક્રોમ્પટ્રોલર એન્ડ ઑડિટર જનરલ CAG આજે સંસદમાં રાફેલ સોદાનો અહેવાલ રજૂ કરી શકે છે. CAG ઓફિસ આજે આ રિપોર્ટને સંરક્ષણ મંત્રાલયને મોકલી આપશે. શક્યતા છે કે આજે થવા સત્રના છેલ્લા દિવસે સરકાર રિપોર્ટને સંસદમાં રજૂ કરી શકે છે.

કપિલ સિબ્બલનો આરોપ

બીજી તરફ રાફેલ ડીલ બાદ હવે કૅગના રિપોર્ટ પર પણ કોંગ્રેસ આક્રમક વલણ અપનાવી રહી છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો કે રાફેલ ડીલનો અહેવાલ રજૂ કરવો એ પણ એક કૌભાંડ છે. કૅગના અધિકારીઓ ધ્યાન રાખવું જોઈએ કે, ચૂંટણીઓ આવે છે અને જાય છે. ક્યારેક અમે વિપક્ષમાં હોઈએ છીએ તો ક્યારેક સત્તામાં. અમે એવા અધિકારીઓ પર નજર રાખીશું, જે વધારે પડતા ઉત્સાહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાજીવ મહર્ષિ સામે આક્ષેપ

કપિલ સિબ્બલે કહ્યું કે,'રાફેલ ડીલ ભ્રષ્ટાચારનો સોદો છે, તેની તપાસ થવી જોઈએ. પરંતુ કૅગ પોતાની સામે કેવી રીતે તપાસ કરશે. રાજીવ મહર્ષિએ આ મામલે દૂર રહેવું જોઈએ.'

આ પણ વાંચોઃ મેં મનોહર પર્રિકર સાથે રાફેલ ડીલને લઇને કોઇ વાત નથી કરી : રાહુલ ગાંધી

કેમ રાજીવ મહર્ષિને દૂર રહેવા થાય છે માગ ?

ઉલ્લેખનીય છે કે હાલ કૅગ તરીકે ફરજ બજાવી રહેલા રાજીવ મહર્ષિ રાફેલ ડીલ સમયે નાણા સચિવ હતા. 30 ઓગસ્ટ, 2015 સુધી તેમણે નાણા સચિવ તરીકે ફરજ બજાવી હતી. કપિલ સિબ્બલનો આરોપ છે કે આ પ્રકારની ડીલમાં નિયમો પાલન કરાવવામાં નાણા મંત્રાલયની ભૂમિકા મહત્વની હોય છે. એટલે આ અહેવાલમાં તેઓ પોતાને અને સરકારને બચાવે તેવી શક્યતા છે. નાણા સચિવ તરીકે તેમણે જે નિર્ણય લીધા તેને તેઓ કૅગ તરીકે ખોટા કેમ ઠેરવી શક્શે ? 

national news kapil sibal