સિંગાપોર ઍરલાઇન્સનું વિમાન ઉતરાણ કરતી વખતે 2 વાર રનવે પર અથડાયું

20 October, 2014 03:59 AM IST  | 

સિંગાપોર ઍરલાઇન્સનું વિમાન ઉતરાણ કરતી વખતે 2 વાર રનવે પર અથડાયું




ખરાબ હવામાનને કારણે સિંગાપોર ઍરલાઇન્સની ફ્લાઇટ એસક્યુ ૪૨૪ મુંબઈ વિમાનમથકે સલામત ઉતરાણ કરવામાં નિષ્ફળ નીવડી હતી અને વિમાન બે વખત રનવે સાથે અથડાયું હતું જેથી કેટલાક પૅસેન્જર્સને ઈજા થઈ હતી. વિમાનમાં ૪૦૮ પૅસેન્જર્સ અને ૨૫ ક્રૂ-મેમ્બર્સ હતા. આમાંથી આઠ પૅસેન્જર્સ અને દસ ક્રૂ-મેમ્બર્સને ઈજા પહોંચી હતી. વિમાનમથકે ફરજ પર હાજર ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફે તરત જ ઈજાગ્રસ્તોને સારવાર આપી હતી પરંતુ તમામ ઈજાગ્રસ્તોને સેવન હિલ્સ હૉસ્પિટલમાં ખસેડવાનો નર્ણિય લેવામાં આવ્યો હતો. જોકે વિમાનના ક્રૂ-મેમ્બર્સને હીરાનંદાની હૉસ્પિટલમાં દાખલ કરવાનો ઍરલાઇને આગ્રહ  સેવતાં તેમને ત્યાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના શનિવારે રાત્રે સવાદસ વાગ્યે બની હતી. ઘટનાથી અદ્યતન ઍરપોર્ટ પર તનાવનું વાતાવરણ નિર્માણ  થયું હતું.

એક પૅસેન્જર નિર્મળાબહેનના પતિ નાનુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ‘અમને જાણ નહોતી  થઈ કે અચાનક વિમાનને શું થઈ ગયું? હું અને મારી પુત્રી વિમાનમાં જ હતાં, પરંતુ અમે જાગતાં હતાં, જે પૅસેન્જર્સ ઊંઘતા હતા તેમને ઈજા થઈ છે. આ ઘટના વિમાને ઉતરાણ કર્યું એ પૂર્વે બની હતી. અમારે રવિવારે ગુજરાત જવું હતું પરંતુ મારી પત્નીને ઈજા થવાથી દિવાળી પહેલાં શક્ય નથી.’