દીકરા અખિલેશની સરકારથી ખુદ પિતા મુલાયમ સિંહ નારાજ

01 August, 2012 08:36 AM IST  | 

દીકરા અખિલેશની સરકારથી ખુદ પિતા મુલાયમ સિંહ નારાજ


 

ગઈ કાલે લખનઉમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોની બેઠકને સંબોધતાં મુલાયમ સિંહે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘છેલ્લા બે મહિનામાં કોઈ ખાસ પરિવર્તન આવ્યું નથી. બધા લોકો માત્ર પોતાનું હિત સાધવામાં મચી પડ્યા છે. જો લોકોની અપેક્ષાઓ નહીં સંતોષાય તો આકરાં પરિણામો ભોગવવાં પડશે.’

મુલાયમ સિંહે વધુમાં કહ્યું હતું કે ‘આ સ્થિતિ હરગિજ ચલાવી નહીં લેવાય. જો આવું જ ચાલશે તો લોકસભાની ચૂંટણીમાં આપણે લોકોને મોં નહીં બતાવી શકીએ.’

સમાજવાદી પાર્ટીના વડાએ કહ્યું હતું કે સરકાર રચાઈ એના પહેલા જ દિવસે મેં કહ્યું હતું કે આપણે જે વચન આપ્યું છે એનું પાલન કરવું પડશે અને જે લોકો સાચી શરૂઆત કરશે તેમને સરકાર બધી જ મદદ આપશે, પણ મને કોઈ નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું નથી. સમાજવાદી પાર્ટીના ટોચના તમામ નેતાઓની હાજરીમાં મુલાયમ સિંહે જો આ સ્થિતિ યથાવત્ રહેશે તો કૅબિનેટમાં ફેરફાર કરવાની પણ ચેતવણી આપી હતી.

રસપ્રદ વાત એ છે કે મુલાયમ સિંહ આમ કહી રહ્યા ત્યારે પાર્ટીના કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યો બોલ્યા હતા કે ‘કુછ મંત્રીઓં કો બદલ હી દીજિયે અબ’. આ સાંભળીને મુલાયમે તત્કાળ કહ્યું હતું કે જો આપણા લોકોમાં જ નારાજગી હોય તો પછી વિચારો કે જનતા શું

માનતી હશે?

બાદમાં મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે પિતાની ટિપ્પણીને ગંભીરતાથી લેતાં કહ્યું હતું કે સારી કામગીરી કરીને જ તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.