રૉબર્ટ વાડ્રાને કાયદાની ઐસીતૈસી કરીને જમીન ફાળવવામાં આવી હતી

01 September, 2016 05:28 AM IST  | 

રૉબર્ટ વાડ્રાને કાયદાની ઐસીતૈસી કરીને જમીન ફાળવવામાં આવી હતી



ભૂપિન્દરસિંહ હૂડા હરિયાણાના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે એક કંપનીને જમીનની ફાળવણી કરતી વખતે કાયદાનું પાલન ન કર્યું હોવાનું એક ભૂતપૂર્વ ન્યાયમૂર્તિના પંચે શોધી કાઢ્યું છે.

ભૂપિન્દરસિંહ હૂડાએ મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન કરેલી ૨૫૦ પ્લૉટ્સની ફાળવણીની તપાસ કરવાનું કામ દિલ્હી હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ એસ. એન. ઢીંગરાને સોંપવામાં આવ્યું હતું. એ પ્લૉટ્સમાં કૉન્ગ્રેસનાં વડાં સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રાની માલિકીની એક કંપની અને દેશની રિયલ એસ્ટેટ ક્ષેત્રની સૌથી મોટી કંપની DLFને ફાળવવામાં આવેલા પ્લૉટ્સનો પણ સમાવેશ થાય છે.

ન્યાયમૂર્તિ ઢીંગરાએ શોધી કાઢ્યું છે કે ભૂપિન્દરસિંહ હૂડાએ કાયદાથી વિપરીત કામ કર્યું હતું અને પ્લૉટ્સની ફાળવણી મનફાવે એમ કરવામાં આવી હતી. ભૂપિન્દરસિંહ હૂડા સાથે કુલડીમાં ગોળ ભાંગનારા સંખ્યાબંધ સરકારી અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓ સામે પગલાં લેવાની ભલામણ ન્યાયમૂર્તિ ઢીંગરાએ કરી હોવાનું માનવામાં આવે છે. ભૂપિન્દરસિંહ હૂડા સાથે મળીને આચરવામાં આવેલાં ગેરકાયદે કામોનાં અનેક ઉદાહરણ ન્યાયમૂર્તિ ઢીંગરાએ તેમના અહેવાલમાં ટાંક્યાં છે.