કોરોના હવે મહામારી નહીં રહે, સાધારણ ઉધરસ-શરદી જેવો રોગ બની જશે : ડૉ. ગુલેરિયા

23 September, 2021 12:16 PM IST  |  New Delhi | Agency

દિલ્હી એઇમ્સના ડિરેક્ટરે કહ્યું કે જે પ્રમાણે લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે એ જોતાં કોરોના હવે રોગચાળાની જેમ નહીં વકરે

કોરોના હવે મહામારી નહીં રહે, સાધારણ ઉધરસ-શરદી જેવો રોગ બની જશે : ડૉ. ગુલેરિયા

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર હવે ઘણી નબળી પડી ગઈ છે. ગઈ કાલે કોરોનાના ૨૬,૯૬૪ નવા કેસ તેમ જ ૩૮૩ જણનાં મૃત્યુ નોંધાયાં હતાં. જોકે દિલ્હી એઇમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે કોરોના વાઇરસ હવે મહામારી નથી રહ્યો. જોકે જ્યાં સુધી દેશમાં દરેક લોકોને રસી મૂકવામાં ન આવે ત્યાં સુધી સાવચેતી રાખવાની જરૂર છે.
તેમણે લોકોને તહેવારો દરમ્યાન ભીડભાડ ન કરવાની અને એનાથી દૂર રહેવાની સલાહ આપી છે. ડૉ. ગુલેરિયાએ કહ્યું હતું કે ‘ભારતમાં હવે કોરોનાનો દૈનિક આંક ૨૫૦૦૦થી ૪૦૦૦૦ વચ્ચે આવી રહ્યો છે. જો લોકો સાવધ રહ્યા તો નવા કેસના આંકડાઓ ધીમે-ધીમે ઓછા થતા રહેશે. 
દેશમાં કોરોના ક્યારેય સંપૂર્ણપણે નાશ નહીં થાય. દેશમાં જે પ્રકારે રસીકરણ થઈ રહ્યું છે એને જોતાં કોરોના વકરશે નહીં. આ વાઇરસ સામાન્ય ફલુ જેવો એટલે કે સાધારણ ખાંસી, શરદી જેવો થઈ જશે, કારણ કે લોકોમાં આ વાઇરસ સામે ઇમ્યુનિટી તૈયાર થઈ ગઈ છે. જોકે બીમાર તેમ જ ઓછી ઇમ્યુનિટીવાળા લોકોમાં આ બીમારીને કારણે જીવ જવાનો ખતરો હંમેશાં રહેશે.ડૉ. ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં પહેલાં તમામ લોકોને વૅક્સિન ડોઝ લાગી જાય, બાળકોને પણ વૅક્સિન લાગે, ત્યાર બાદ જ બૂસ્ટર ડોઝ પર જોર આપવામાં આવે છે. 

national news coronavirus