સુભાષચંદ્ર બોઝ ૧૯૪૫ પછી પણ જીવંત હોવાના સંકેતો ધરાવતા પત્રો જાહેર

19 September, 2015 03:46 AM IST  | 

સુભાષચંદ્ર બોઝ ૧૯૪૫ પછી પણ જીવંત હોવાના સંકેતો ધરાવતા પત્રો જાહેર




નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશેની સીક્રેટ તરીકે ક્લાસીફાય કરવામાં આવેલી ફાઇલોને ડીક્લાસીફાય કરીને ડિસ્પ્લેમાં મૂક્યા બાદ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પશ્ચિમ બંગનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે ‘આજે ઐતિહાસિક દિવસ છે. અમારી સરકારે નેતાજી વિશેની બધી ફાઇલો જાહેરમાં મૂકી છે. ભારત માતાના વીર સંતાન વિશે જાણવાનો દેશના નાગરિકોને અધિકાર છે.’

ફાઇલોનું મહત્વ જણાવતાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ ૧૯૪૫માં વિમાન-અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાની વાયકા ઊડી છે, પરંતુ તેઓ ૧૯૪૫ પછી પણ જીવંત હોવાના ઉલ્લેખ અને સંકેતો ધરાવતા કેટલાક લોકોના પત્રો એ ફાઇલોમાં છે. ફાઇલો વાંચવાનો મને ઝાઝો સમય નથી મળ્યો, પરંતુ ૧૯૪૫ પછી પણ તેઓ જીવંત હોવા વિશેના પત્રો અને નેતાજીના પરિવાર પર જાસૂસી અને નજરકેદ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું દર્શાવતા પત્રો એ ફાઇલોમાં છે. કેન્દ્ર સરકાર એ ફાઇલોને ડીક્લાસીફાય શા માટે નથી કરતી એ સમજાતું નથી. ફાઇલો જાહેર કરવાથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થવાની અને વિદેશો સાથે સંબંધો પર અસર થવાની આશંકાઓ માત્ર બહાનાં છે. એવી કોઈ શક્યતા નથી. લોકોને હકીકત જાણવા દો. દેશને આઝાદી અપાવનારા મહાનાયકોને સ્વતંત્ર દેશના લોકો સલામી આપે, તેમનું સન્માન કરે એ મહત્વની બાબત છે.’

મમતા બૅનરજીએ પછીથી સંબોધનમાં ફાઇલો વિશે જણાવ્યું હતું કે ‘અમે શરૂઆત કરી છે. લોકોએ સત્ય જાણવું જરૂરી છે. હવે કેન્દ્ર સરકારનો નેતાજી વિશેની ફાઇલો જાહેરમાં મૂકવાનો વારો છે. આપણને સૌને સદ્બુદ્ધિ મળે એવી પ્રાર્થના કરું છું. તમે સત્યને દબાવી ન શકો. સત્યને પ્રકાશિત થવા દેવું જોઈએ. છેલ્લાં ૭૦ વર્ષમાં રહસ્ય ઉકેલાયું નથી. નેતાજીને શું થયું એની આપણને ખબર નહોતી એ કમનસીબીની બાબત છે. કેટલો વખત આપણે હકીકતોને ગુપ્ત રાખી શકીએ? હવે તમે એ ફાઇલોને વિગતવાર વાંચી શકો છો.’

પરિવારે માન્યો આભાર

ડીક્લાસીફિકેશનના આ પગલા બાબતે પશ્ચિમ બંગ સરકારનો આભાર માનતાં નેતાજી સુભાષચંદ્ર બોઝના ભાઈના પૌત્ર ચંદ્ર બોઝે જણાવ્યું હતું કે ‘આ ખૂબ યોગ્ય પગલું છે. હવે કેન્દ્ર સરકારે એની પાસેની ૧૩૦ ફાઇલો જાહેર કરવી જોઈએ. નેતાજી વિશેની ફાઇલો ૭૦ વર્ષથી સીક્રેટના લેબલ અંતર્ગત જનતાથી છૂપી રાખીને દેશનો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. એ વિશ્વાસઘાતી નેતાઓને ખુલ્લા પાડવા માટે હવે કેન્દ્ર સરકારે એ ફાઇલો ડીક્લાસીફાય કરવી જોઈએ.’

ગયા ઑગસ્ટ મહિનામાં વડા પ્રધાનની ઑફિસે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનને જણાવ્યું હતું કે નેતાજી વિશેની ફાઇલો જાહેર કરવાથી વિદેશો સાથેના સંબંધોને અવળી અસર થવાની શક્યતા ધ્યાનમાં રાખીને એ ફાઇલો ડીક્લાસીફાય ન કરી શકાય.

પોલીસતંત્રના તેમ જ સરકારી લૉકર્સમાં રાખેલી કુલ ૧૨,૭૪૪ પાનાંની ૬૪ ફાઇલો ગઈ કાલે નેતાજી સુભાષચંદ્ર બોઝના કુટુંબીજનોની હાજરીમાં ડીક્લાસીફાય કરીને જાહેરમાં મૂકવામાં આવી હતી. આ ફાઇલો જાહેરમાં મૂકવામાં આવતાં નેતાજીના રહસ્યમય રીતે ગુમ થઈ જવા પાછળની ભૂમિકા પ્રકાશમાં આવે એવી અપેક્ષા રાખવામાં આવે છે. નેતાજીના પરિવારના સભ્યો દ્વારા ઘણાં વર્ષોથી નેતાજીએ સ્થાપેલી આઝાદ હિન્દ ફોજ વિશેની માહિતી જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી.

પોલીસ-મ્યુઝિયમમાં ફાઇલો

કલકત્તાના પોલીસ-કમિશનર સુરજિતકાર પુરકાયસ્થે આ બાબતે જણાવ્યું હતું કે કલકત્તા પોલીસ-મ્યુઝિયમમાં કાચનાં ખોખાં (ગ્લાસ કૅસ્કેડ્સ)માં પ્રદર્શિત કરવામાં આવેલી ફાઇલો સોમવારથી જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે. એ ૬૪ ફાઇલોમાંથી પંચાવન ફાઇલો કલકત્તા શહેરપોલીસના કબજામાં હતી અને નવ ફાઇલો પશ્ચિમ બંગ સ્ટેટ પોલીસના હાથમાં હતી. પોલીસ-કમિશનર પુરકાયસ્થે ડિજિટાઇઝ્ડ ફૉર્મેટ ધરાવતી DVD નેતાજીના ફૅમિલી-મેમ્બર્સને સુપરત કરી હતી. નેતાજી વિશેની ફાઇલો જાહેર કરવાના રાજ્ય સરકારના નિર્ણયનું સુભાષચંદ્ર બોઝના ફૅમિલી-મેમ્બરોએ સ્વાગત કર્યું હતું.

કેન્દ્ર શું કરશે?

કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે કોઈ પણ સીક્રેટ ફાઇલો જાહેર કરવા બાબતે નિર્ણય લેતી વેળા કેન્દ્ર સરકાર રાષ્ટ્રનું સર્વોચ્ચ હિત ધ્યાનમાં રાખે છે. કેન્દ્ર સરકારે કેટલીક ફાઇલો જાહેર કરી છે. એને નૅશનલ આર્કાઇવ્ઝમાં મૂકવામાં આવી છે. જોકે વધુ ફાઇલો જાહેર કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર જ લઈ શકે.