બળાત્કાર મુદ્દે રાષ્ટ્રપતિના દિકરાનો બફાટ

28 December, 2012 03:39 AM IST  | 

બળાત્કાર મુદ્દે રાષ્ટ્રપતિના દિકરાનો બફાટ



દિલ્હીના ગૅન્ગ-રેપની ઘટનાને લઈને લોકોમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે આક્રોશ અને અસંતોષ છે ત્યારે ગઈ કાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અને કૉન્ગ્રેસના સંસદસભ્ય અભિજિત મુખરજીના નિવેદને મહિલાઓના ઘા પર મીઠું ભભરાવાનું કામ કર્યું હતું. અભિજિત મુખરજીએ પશ્ચિમબંગની એક ટીવી ચૅનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘મહિલાઓ મેક-અપ કરીને ટીવી પર ઇન્ટવ્યુ આપે છે. આજકાલ કૅન્ડલ લઈને માર્ચ કરવી જાણે ફૅશન બની ગઈ છે. યુવતીઓ દિવસે સરસ તૈયાર થઈને રૅલીમાં ભાગ લે છે અને રાત્રે આ જ યુવતીઓ ડિસ્કોમાં જતી રહે છે. યુવતીઓ વાસ્તવિક હકીકતોથી અજાણ હોય છે. તેઓ માત્ર દેખાડો કરતી હોય છે. દિલ્હીમાં જે થયું એ પિન્ક રેવૉલ્યુશન જેવું છે, જેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.’

રાષ્ટ્રપતિની દીકરી પણ ગુસ્સે

અભિજિત મુખરજીના આ બેજવાબદરીભર્યા નિવેદનનો ભારે વિરોધ થયો હતો. ખુદ તેમની બહેન શર્મિષ્ઠાએ પણ નારાજગી આ નિવેદન પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. તેણે પોતાના ભાઈ વતી તમામ મહિલાઓની માફી માગી હતી. ચોતરફ વિરોધ થતાં અભિજિત મુખરજીએ પણ માફી માગતાં પોતાના શબ્દો પાછા લીધા હતા. શર્મિષ્ઠાએ કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિના પુત્ર તરીકે નહીં તો એક સંવેદનશીલ માણસ તરીકે તેણે માફી માગવી જોઈએ. તેણે આવું નિવેદન આપવું જોઈતું ન હતું. અમારો પરિવાર આ પ્રકારનો નથી.’

પ્રણવદા પણ નારાજ


શું પિતા પ્રણવ મુખરજીને આ નિવેદનોથી ઠેસ પહોંચી હશે? એવા સવાલના જવાબમાં તેમની દીકરી શર્મિષ્ઠાએ કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે તેમને આ ગમ્યું નહીં હોય. મને એવી પણ ખાતરી છે કે તેઓ મારા વિચારો સાથે સંમત હશે.’

અભિજિત મુખરજીએ આ નિવેદનો બદલ માફી માગતાં કહ્યું હતું કે ‘હું મારા શબ્દો પાછા ખેંચું છું. જે પણ લોકોને આ નિવેદનોથી ઠેસ પહોંચી હોય તેમની હું માફી માગું છું.’

અભિજિતનો ચોતરફી વિરોધ


રાજકીય નેતાઓ માત્ર માફી માગે એ પૂરતું નથી. આ નિવેદન અત્યંત અપમાનજનક અને ટીકાસ્પદ છે.

- વૃંદા કરાત, સીપીઆઇ(એમ)ના સિનિયર નેતા

તેમણે (અભિજીત મુખરજી)એ જે કહ્યું તે અત્યંત ખેદજનક છે. એક જનપ્રતિનિધિ તરીકે આ અત્યંત અસંવેદનશીલ નિવેદન છે. આ નિવેદનને કારણે મહિલાઓની પીડા વધી છે.

- ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી અને સામાજિક કાર્યકર કિરણ બેદી

રાષ્ટ્રપતિના પુત્ર દ્વારા આવું કહેવામાં આવે એ અત્યંત ખેદજનક છે. આ નિવેદન લોકોની પીડાને નહીં સમજી શકવાની કૉન્ગ્રેસની માનસિકતા દર્શાવે છે.

- બીજેપીના મહિલા મોરચાના પ્રમુખ સ્મૃતિ ઈરાની

આ પ્રકારના નિવેદનોથી આંદોલન વધારે મજબુત થશે. આ નિવેદન લોકોની માનસિકતા ઉઘાડી પાડે છે.

- જયા જેટલી, સમતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ

અભિજીત મુખરજીએ આવું નિવેદન આપવું જોઈતું ન હતું. આ નિવેદન કૉન્ગ્રેસની માનસિકતા છતી કરે છે.

- બીજેપીના પ્રવકત્તા શાહનવાઝ હુસૈન

સીપીઆઇ (એમ) = કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માક્ર્સવાદી)

આઇપીએસ = ઇન્ડિયન પોલીસ સર્વિસ