ઉપરથી ભગવાન આવીને કહેશે તો પણ દોષીઓને માફ નહીં કરું: નિર્ભયાની માતા

19 January, 2020 09:47 AM IST  | 

ઉપરથી ભગવાન આવીને કહેશે તો પણ દોષીઓને માફ નહીં કરું: નિર્ભયાની માતા

દેશના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઇન્દિરા જયસિંહ તરફથી માફી આપવાની સલાહને લઈ નિર્ભયાની માતાએ આકરી ટિપ્પણી કરી હતી. નિર્ભયાની માતા આશાદેવીએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવતા કહ્યું હતું કે મને સલાહ આપવાવાળી ઇન્દિરા જયસિંહ કોણ? દેશ આખો આ દોષિતોને ફાંસી આપવા ઈચ્છે છે.

નિર્ભયાના ચારેય દોષિતોની ફાંસીની તારીખ લંબાવવાને લઈ એક તરફ પીડિતાની માતા આશાદેવી દુ:ખી છે, બીજી તરફ વકીલ ઇન્દિરા જયસિંહે પોતાના એક નિવેદનથી સમગ્ર દેશને ચોંકાવી દીધું છે. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે નિર્ભયાની માતાને અપીલ કરી હતી કે તેઓ દોષિતોને માફ કરી દે અને સોનિયા ગાંધીનું અનુકરણ કરે. જે રીતે સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીના હત્યાના મામલામાં દોષી નલિનીને માફ કરી દીધી હતી, તેવું જ નિર્ભયાની માતાએ પણ કરવું જોઈએ.

વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે હું આશાદેવીનું દરદ પૂરી રીતે સમજું છું. તેમ છતાં હું તેમને અપીલ કરું છું કે તેઓ સોનિયા ગાંધીના ઉદાહરણનું અનુકરણ કરે જેઓએ નલિનીને માફ કરી દીધી અને કહ્યું કે તેઓ તેમના માટે મૃત્યુદંડ નથી ઈચ્છતા. અમે આપની સાથે છીએ, પરંતુ મૃત્યુદંડની વિરુદ્ધ છીએ.

નિર્ભયાની માતા આશાદેવીએ ઇન્દિરા જયસિંહને સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે મને સલાહ આપવાવાળી ઇન્દિરા જયસિંહ કોણ? મને વિશ્વાસ નથી થતો કે આખરે ઇન્દિરા જયસિંહ મને આ પ્રકારની સલાહ આપવાની હિંમત જ કેવી રીતે કરી શકે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સુપ્રીમ કોર્ટમાં તેમની અનેકવાર મુલાકાત થઈ છે. તેમને એકવાર પણ મારા હાલચાલ નથી પૂછ્યા અને આજે તેઓ દોષિતોતરફી બોલી રહ્યાં છે.

national news