ચારધામ યાત્રામાં અત્યાર સુધી ૬૦ શ્રદ્ધાળુઓનાં મોત

24 May, 2022 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તોફાની પવન અને ભારે વરસાદને કારણે કેદારનાથની યાત્રા અટકાવાઈ

ગઈ કાલે થયેલી હિમવર્ષાને કારણે કેદારનાથમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું.

દેહરાદૂન: મેના પહેલા સપ્તાહથી શરૂ થયેલી યાત્રા બાદ અત્યાર સુધી કુલ ૬૦ શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે. આ જાણકારી ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. સત્તારૂઢ બીજેપીના પ્રવક્તાએ કહ્યું હતું કે લોકો પોતાની બીમારીને છુપાવીને યાત્રા પર આવી રહ્યા છે, જેને કારણે પણ આ પ્રવાસમાં એમનું મોત થઈ રહ્યું છે. 
ગંગોત્રી, યમુનોત્રી, હેમકુંડ સાહિબ અને બદરીનાથની યાત્રા રાબેતા મુજબ ચાલુ રહી હોવા છતાં ઉત્તરાખંડમાં તોફાની પવન, ભારે વરસાદ અને બરફના વરસાદને કારણે ગઈ કાલે કેદારનાથની યાત્રાને અટકાવાઈ હતી.  
રોજના ૫૦૦૦ યાત્રાળુઓને મંદિરની મુલાકાત લેવાની પરવાનગી સાથે હેમકુંડ સાહિબની યાત્રા રવિવારે શરૂ કરવામાં આવી હતી. મંદિરના દ્વાર ઉઘડ્યા તે દિવસે હેમકુંડ સાહિબમાં સામાન્ય પ્રમાણમાં બરફનો વરસાદ પડ્યો હતો પરંતુ યાત્રા પર તેની અસર પડી શકી ન હોવાનું હેમકુંડ સાહિબ મૅનેજમેન્ટ ટ્રસ્ટના ઉપપ્રમુખ એન. એસ. બિન્દ્રાએ જણાવ્યું હતું. 
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રુદ્રપ્રયાગ ખાતે કેદારનાથ મંદિરની યાત્રા અટકાવી દીધી હોવાનું જણાવતાં જિલ્લા ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑફિસર એન. કે. રાજવરે કહ્યું હતું કે કેદારનાથ જતાં માર્ગમાં પવન, વાવાઝોડા અને વીજળીના ચમકારાને લીધે જોખમ વધી જતાં ઉખીમઠ, સોનપ્રયાગ અને ગૌરીકુંડ પહોંચેલા યાત્રાળુઓને આગળની જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ત્યાં જ રહેવા જણાવાયું છે. લગભગ ૧૦,૦૦૦ જેટલા યાત્રાળુઓ યાત્રા ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.  

national news dehradun