12 August, 2026 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબ્રા રેલવે બ્રિજ નજીક ૨૭ વર્ષના સાઈરાજ બેનારે નામના યુવકનું ચાલુ લોકલ ટ્રેનમાંથી ખાડીમાં પડવાને કારણે મૃત્યુ થયું હતું. ઉલ્હાસનગરનો રહેવાસી સાઈરાજ ગઈ કાલે સવારે ૬.૧૦ વાગ્યે આ અકસ્માતનો ભોગ બન્યો હતો. લોકલ ટ્રેનમાંથી નીચે પટકાયા બાદ તે થોડી વાર માટે બ્રિજના લોખંડના રૉડ સાથે અટવાયો હતો અને ત્યાર બાદ સીધો મુંબ્રા ખાડીના ઊંડા પાણીમાં ખાબક્યો હતો. આ મામલે પ્રાથમિક તપાસ થાણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ કરી હતી. જોકે ખાડી થાણે સિટી પોલીસના અધિકાર ક્ષેત્રમાં આવતી હોવાથી આગળની તપાસ મુંબ્રા પોલીસને સોંપવામાં આવી છે.
મુંબ્રા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગણેશ જાવદવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની જાણ થતાં જ થાણે GRP અને ફાયરબ્રિગેડની ટીમ તરત સ્થળ પર પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ-વાહનની મદદથી ખાડીના પાણીમાંથી સાઈરાજનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને આગળની પ્રક્રિયા માટે અમને સોંપ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે કલવાસ્થિત છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. હાલ અમે અકસ્માત્ મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમ્યાન પ્રાથમિક માહિતી મળી છે કે સાઈરાજ તેના મિત્ર સાથે ઉલ્હાસનગરથી મુંબઈ તરફ ફાસ્ટ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો અને ઘટના સમયે યુવક સાથે તેનો મિત્ર પણ ટ્રેનમાં હાજર હતો. યુવકે પાણીમાં ઝંપલાવ્યું હતું કે તે ભૂલથી નીચે પડી ગયો હતો એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ યુવકના મિત્ર અને પરિવારજનોનાં વિગતવાર સ્ટેટમેન્ટ નોંધવામાં આવશે.’