ગોરખપુર એક્સપ્રેસમાં ટીનેજર પર કથિત બળાત્કારના આરોપસર યુવકની ધરપકડ

15 February, 2021 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોરખપુર એક્સપ્રેસમાં ટીનેજર પર કથિત બળાત્કારના આરોપસર યુવકની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

થાણે રેલવે-પોલીસે ગોરખપુર એક્સપ્રેસમાં ટીનેજર પર કથિત બળાત્કાર કરવાના આરોપસર ૧૯ વર્ષના યુવકની ધરપકડ કરી છે. એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે યુવક અને યુવતી મુંબઈની એક કૉલેજમાં સાથે ભણે છે અને તેઓ કુરારના એક વિસ્તારમાં એક જ સોસાયટીમાં રહે છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘કુરારમાં રહેતી આ યુવતી અને યુવક ગુરુવારે સાંજે પોતાનું ઘર છોડીને સાથે નીકળ્યાં હતાં. યુવતીએ ઘરેથી બે લાખના દાગીના અને રોકડ રકમ પણ લીધી હતી. શુક્રવારે સવારે ૭ વાગ્યે દાદર સ્ટેશનથી ગોરખપુર જતી ટ્રેનમાં તેઓ થાણે સુધી આવ્યાં હતાં. એ દરમ્યાન યુવતીને યુવક બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેના પર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ યુવતીના પરિવારજનોએ કુરાર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’

કુરાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રકાશ બેલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવક અને યુવતી કુરારમાં આવેલી એક જ સોસાયટીમાં રહે છે. યુવતી માઇનર હોવાથી તેની મમ્મીની ફરિયાદ પર અમે યુવક પર બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધીને તપાસ થાણે રેલવે પોલીસ-સ્ટેશનને સોંપી દીધી છે. આગળની તપાસ થાણે રેલવે-પોલીસ કરી રહી છે.’

mumbai mumbai news rakhpur Crime News