તમારી દુકાન મેઇન રોડ પર ને બોર્ડ મરાઠીમાં?

29 May, 2022 09:06 AM IST  |  Mumbai | Prajakta Kasale

...તો એના પર રહેશે બીએમસીની બાજનજર : ૩૧ મે પછી જો એનું મેઇન સાઇનબોર્ડ મરાઠીમાં નહીં હોય તો કર્મચારીદીઠ ભરવો પડશે ૨૦૦૦ રૂપિયા ફાઇન

તમારી દુકાન મેઇન રોડ પર ને બોર્ડ મરાઠીમાં?

મરાઠી સાઇનબોર્ડ ન મૂકનારા મુખ્ય રસ્તા પર તેમ જ જંક્શન પર આવેલા શોરૂમ અને સ્ટોર્સ બીએમસીની કાર્યવાહીની યાદીમાં અગ્રક્રમે રહેશે. સુધરાઈએ મરાઠી સાઇનબોર્ડ માટે ૩૧ મે સુધીની ડેડલાઇન આપી છે તથા એના પાલનની ખાતરી કરવા એક ટીમનું ગઠન કર્યું છે, જે વ્યક્તિગત રીતે પ્રત્યેક દુકાનની તપાસ કરશે. નિયમની અવગણના કરનાર શૉપ કે સ્ટોરે એના પ્રત્યેક કર્મચારીદીઠ ૨૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. દંડની ચુકવણી ૧૦ જૂનથી અમલી બનાવવામાં આવશે. મહારાષ્ટ્ર શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ (રેગ્યુલેશન ઑફ એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ કન્ડિશન ઑફ સર્વિસ) (અમેન્ડમેન્ટ) ઍક્ટ, ૨૦૨૨માં કરાયેલા સુધારાઓ અનુસાર તમામ દુકાનોએ ફરજિયાત દેવનાગરી લિપિમાં મરાઠી સાઇનબોર્ડ ડિસ્પ્લે કરવાનું રહેશે. બીએમસીએ તમામ શૉપ્સને ૩૧ મે સુધીની ડેડલાઇન સાથેની નોટિસ મોકલી છે. આ આદેશમાં જણાવાયું છે કે જો બોર્ડ પર એક કરતાં વધુ ભાષામાં દુકાનનું નામ લખવામાં આવ્યું હશે તો મરાઠી ભાષામાં લખવામાં આવેલું નામ અન્ય ભાષાની સરખામણીમાં નાના અક્ષરોમાં ન હોવું જોઈએ. 

mumbai mumbai news prajakta kasale