જૉબ મેળવવાના ચક્કરમાં યુવાનોએ ગુમાવ્યા મોબાઇલ

29 November, 2021 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુંદર યુવતીની ફેક આઇડી બનાવીને ફ્રેન્ડશિપ કર્યા પછી સરકારી હૉસ્પિટલમાં જૉબ અપાવવાના નામે મળવા બોલાવી ઑનલાઇન રજિસ્ટ્રેશન માટે મોબાઇલ લીધા પછી પલાયન થઈ જતા આરોપીની પોલીસે કરી ધરપકડ

યુવાનોના મોબાઇલ તફડાવવાના આરોપસર કાંદિવલી પોલીસે ધરપકડ કરેલો હામિદ સલીમ શેખ.

ગ્રૅજ્યુએટ યુવાનોને અનેક પ્રયાસ બાદ પણ સારી જૉબ મળતી ન હોવાનો ફાયદો એક ભેજાબાજ યુવાને ઉઠાવ્યો હોવાની ઘટના મુંબઈમાં બની છે. ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં જૉબ અપાવવા માટે ફેસબુક પર એક સુંદર યુવતીનો આઇડી બનાવીને યુવાનો સાથે ફ્રેન્ડશિપ કર્યા બાદ તેમને ઑફલાઇન અને ઑનલાઇન ફૉર્મ ભરવા બોલાવતો ૨૮ વર્ષનો આરોપી યુવક તેના સંપર્કમાં આવનારા યુવાનોના મોબાઇલ સાથે ફરાર થઈ જતો હોવાની ફરિયાદ મળ્યા બાદ કાંદિવલી પોલીસે આ યુવાનની ધરપકડ કરી છે. ઑનલાઇન ચીટિંગના અનેક કેસ સાઇબર પોલીસમાં નોંધાય છે, પણ યુવાનોને મળીને તેમનો મોબાઇલ લઈને પલાયન થવાની ઘટના પહેલી વાર પોલીસને ચોપડે નોંધાઈ છે. પહેલાં કૉલ સેન્ટરમાં કામ કરનારા આરોપીએ કામ કર્યા વિના સરળતાથી રૂપિયા મેળવવા માટે આવું કામ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરવામાં આવેલા ૨૮ વર્ષના આરોપી હામિદ સલીમ શેખે સારી જૉબ શોધી રહેલા યુવાનોને છેતરવા માટે કોઈક રુમેષા સિદ્દીકી નામની એક યુવતીનું ફેસબુક પર બનાવટી આઇડી તૈયાર કર્યું હતું. આ આઇડીથી તે યુવાનોને ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલતો હતો. કોઈ યુવાન તેની આ રિક્વેસ્ટ સ્વીકારે તો તે તેની સાથે ચૅટ કરતો હતો. વાત-વાતમાં તે પોતાની જાળમાં ફસાયેલા યુવાનોને મોટી સરકારી હૉસ્પિટલમાં જૉબ મેળવી આપવાનું કહી પોતાને રુમેષા સિદ્દીકીએ મોકલ્યો હોવાનું કહીને મળવા બોલાવતો હતો. કોઈક કૅન્ટીનમાં મળવા આવનારા યુવાનને બેસાડીને ઑનલાઇન ફૉર્મ ભરવા માટે મોબાઇલનું રજિસ્ટ્રેશન કરાવવાનું જરૂરી હોવાનું કહીને તે મોબાઇલ લઈ લેતો હતો અને બે મિનિટમાં આવું છું કહીને પલાયન થઈ જતો હતો.
કાંદિવલી પોલીસે કરેલી તપાસમાં જણાઈ આવ્યું છે કે આરોપી સામે આ પ્રકારના ચાર મામલા જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. એક વખત તેની ધરપકડ થયા બાદ બહાર આવીને તેણે આ જ મોડસ ઑપરેન્ડીથી યુવાનોને છેતરવાનું ચાલુ રાખ્યું હતું. કાંદિવલીમાં આવેલી શતાબ્દી હૉસ્પિટલમાં જૉબ અપાવવા માટે એક યુવાનનો મોબાઇલ તફડાવ્યા બાદ યુવાને ફરિયાદ નોંધાવતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી હામિદ સલીમ શેખ ગ્રૅજ્યુએટ છે અને પહેલાં તે કૉલ સેન્ટરમાં જૉબ કરતો હતો. નોકરી છૂટી ગયા બાદ તેણે યુવાનોને છેતરવા માટે ફેસબુક પર એક યુવતીનું આઇડી બનાવીને એના પર સુંદર ફોટો મૂક્યો હતો. સુંદર યુવતીની ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલ્યા બાદ તે યુવાનોને જૉબ અપાવવાના નામે ફસાવતો હતો. કાંદિવલીના એક યુવાને મોબાઇલ ગુમાવ્યા બાદ ફરિયાદ નોંધાવતાં અમે કાર્યવાહી કરી છે. મોબાઇલ તફડાવ્યા બાદ તે ઓએલએક્સ પર વેચી નાખતો હતો. પોતાની જૉબ જતી રહેતાં નોકરી ન હોય એવા યુવાનો સારી જૉબ માટે કેટલા આતુર હોય છે એ સમજાયા પછી ઈઝી મની માટે તેણે યુવાનોના મોબાઇલ તફડાવવાનું કામ શરૂ કર્યું હોવાનું તેની પૂછપરછમાં જણાઈ આવ્યું છે. અત્યાર સુધીમાં તેણે પાંચ યુવાનોને આવી રીતે છેતર્યા હોવાનું જણાયું છે.’

Mumbai Mumbai news