ફ્લાયઓવર સે ગિરા ફિર ભી નહીં મરા

02 May, 2012 02:58 AM IST  | 

ફ્લાયઓવર સે ગિરા ફિર ભી નહીં મરા

સૌરભ વક્તાણિયા

મુંબઈ, તા. ૨

ગઈ કાલે બપોરે પ્રણયભંગ થયેલા પ્રેમીએ વાકોલા ફ્લાયઓવર પરથી આત્મહત્યા કરવા માટે નીચે ઝંપલાવ્યું, તો ખરું, પણ તેના કમનસીબ કહો કે સદનસીબ તે એવી રીતે પડ્યો કે બચી ગયો. ઇન્દોરથી આવેલા ૨૧ વર્ષના ઘનશ્યામ કનૈયાલાલ નાગરે પહેલાં પોતાની બૅગ નીચે ફેંકી હતી જે ત્યાંથી પસાર થતી કારના બૉનેટ આગળ પડતાં ડ્રાઇવર શું થયું એ જોવા બહાર આવ્યો. એટલામાં ઘનશ્યામ નાગર કારના છાપરા પર આવી પડ્યો. એક આઇ-વિટનેસે કહ્યું હતું કે ‘પળવારમાં જ ઘટનાઓ બની ગઈ. જો થોડું પણ મોડું થયું હોત તો બન્ને ગંભીર રીતે ઘાયલ થયા હોત.’

ઘનશ્યામ મધ્ય પ્રદેશના રાજગઢમાં આવેલા ભવરા ગામનો રહેવાસી છે અને એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરે છે. તેને કૉલેજમાં ભણતી એક છોકરી સાથે પ્રેમસંબંધ હતો. ઇન્દોરમાં શિક્ષણ પૂરું થતાં તેનો પરિવાર મુંબઈ શિફ્ટ થયો હતો, જ્યારે તે પોતાના હોમટાઉનમાં જ હતો. ત્રણ દિવસ પહેલાં તે છોકરીને મળવા મુંબઈ આવ્યો તેમ જ તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જોકે કોઈક કારણોસર તેમના સંબધો બગડ્યા હતા એટલે છોકરીએ આ સંબંધોનો અંત લાવવા જણાવ્યું હતું. તેણે યુવતીને સમજાવવાના તમામ પ્રયત્નો કરી જોયા, પરંતુ કોઈ જ અર્થ ન સર્યો.

વાકોલા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પરદેશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેસ્ટર્ન એક્સપ્રેસ પર આવેલા વાકોલા ફ્લાયઓવર પર તે બપોરે ૨.૩૦ વાગ્યે ચડ્યો હતો. તેની પાસે એક બૅગ હતી જેમાં તેનાં કપડાં હતાં. તે પુલની વચ્ચોવચ આવી થોડો સમય ઊભો રહ્યો. પછી તેણે પોતાની બૅગ નીચે નાખી હતી. એ સમયે નીચેથી એક કાર પસાર થઈ રહી હતી. બૅગ નીચે પડતાં ડ્રાઇવરે કાર ઊભી રાખી અને બૅગ ક્યાંથી પડી એ જોવા બહાર નીકળ્યો. બૅગ ફેંક્યા પછી તરત ઘનશ્યામ નાગરે પણ નીચે ઝંપલાવ્યું. તે ડ્રાઇવરે ઊભી રાખેલી કારના છાપરા પર જ પડ્યો.’

ઘનશ્યામ નાગરને પણ થોડું વાગ્યું છે. વાકોલા પોલીસે આત્મહત્યા કરવાના ગુનામાં ઘનશ્યામ નાગરની ધરપકડ કરી હતી તેમ જ મધ્ય પ્રદેશમાં રહેતા તેના પરિવારજનોને આ બનાવ વિશે માહિતી આપી હતી. ર્કોટમાં લઈ જતી વખતે તેણે કહ્યું હતું કે ‘તે છોકરીએ મને તરછોડી દીધો હતો. મને તેના પર પૂરો વિશ્વાસ હતો. હું તેને ખૂબ પ્રેમ કરું છું. હું હમણાં ભલે બચી ગયો, પરંતુ જો હું જેલમાં ગયો તો ત્યાં પણ મારા જીવનનો અંત કરી દઈશ. મારી પાસે જીવવાનું કોઈ જ કારણ નથી.’