દીકરી હિંમતનો દરિયો

10 January, 2021 08:10 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

દીકરી હિંમતનો દરિયો

દીકરી પ્રતીક્ષા મદદ માટે બૂમો પાડવા માંડતાં ચોરોએ તેને પકડતાં તે જખમી થઈ હતી, પરંતુ તેની સતર્કતાને કારણે ઘર લૂંટાતું બચી ગયું; ડોમ્બિવલીના અશોક ગોરીના ઘરમાં ચોરો ઘૂસી જતાં તેમને આ રીતે બાંધી દીધા હતા

ફિલ્મી સ્ટાઇલમાં ચોરી કરવા ૩૦ વર્ષની આસપાસની વયજૂથના બે પુરુષો અને એક મહિલા ચોર ડોમ્બિવલી-વેસ્ટમાં ગુપ્તે રોડ પર રહેતા માંડવી તાલુકાના કચ્છી ભાનુશાલી સમાજના બૅન્કના નિવૃત્ત ડેપ્યુટી મૅનેજર અશોક ગોરીના ઘરમાં ઘૂસી ગયા હતા. ગળા પર ચાકુ મૂકીને તેમનું મોઢું અને હાથ-પગ બાંધીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચોરો પોતાના ઇરાદામાં સફળ થાય એ પહેલાં તેમની દીકરી ઘરમાં આવી ગઈ અને ચોરોએ ચાકુ મૂકીને તેને પણ પકડી લીધી હતી. દીકરીએ ડર્યા વગર સતર્ક થઈને બૂમાબૂમ કરી મૂકતાં પાડોશીઓ ઘરમાં આવી જતાં આખું ઘર લૂંટાતું બચી ગયું હતું. લૉકડાઉનમાં બેરોજગારીના પરિણામે આ બનાવ બન્યો હોવાનું કહેવાય છે.

હું જોરજોરથી બૂમો પાડવા માંડી

પ્રતીક્ષા ગોરીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમારા ઘરના હૉલની લાઇટ બંધ હતી અને બેડરૂમનો દરવાજો બંધ હોવાથી મને શંકા જતાં મેં ધીરેકથી હૉલની લાઇટ ચાલુ કરવા માટે બટન દબાવ્યું એટલે મને ખેંચીને જમીન પર ફેંકી દીધી હતી. મેં મદદ માટે બૂમ પાડવા માંડતાં ચોરો મારું મોઢું અને હાથ બાંધવાની કોશિશ કરતા હતા. હું વધુ જોરથી બૂમો પાડવા માંડતાં એમાંનો એક જણ મારા પગ પર બેસી ગયો અને બીજો મારું મોઢું જોરથી દબાવવા લાગ્યો. પાડોશીઓએ મારો અવાજ સાંભળતાં મદદે આવી પહોંચ્યા હતા. હું ઊઠીને પહેલાં બેડરૂમના દરવાજા તરફ ભાગી કે પપ્પાને શું થયું હશે એટલી વારમાં તો પપ્પા જ હાથ છોડીને બહાર આવતાં મારા જીવમાં જીવ આવ્યો હતો.

ચાકુ ગળા પર મૂકીને બંધક બનાવી દીધો

આ વિશે અશોક ગોરીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘પાંચ જાન્યુઆરીએ સાંજે ૬ વાગ્યે મારી વાઇફ અને ૨૪ વર્ષની દીકરી પ્રતીક્ષા બિલ્ડિંગ નીચે શાકભાજી લેવા ગયાં હતાં. હું પોલિયોગ્રસ્ત હોવાથી પગમાં તકલીફને કારણે બરાબર ચાલી શકતો નથી. મારી સવલત માટે દીકરીએ જતી વખતે ઘરનો થોડો દરવાજો હંમેશની જેમ ખુલ્લો રાખ્યો હતો. તેઓ નીચે ગયાં કે તરત ૩ ચોરો આખું મોઢું કવર કરીને ઘરમાં છૂપી રીતે ઘૂસીને સીધા બેડરૂમમાં હું બેઠો ત્યાં ઘૂસી આવ્યા. મારું મોઢું દબાવીને ૯ ઇંચ લાંબું ચાકુ મારા ગળા પર મૂકીને ‘અવાજ કરશો તો આવી બનશે’ એવું કહેતાં ‘તમારે જે લેવું હોય એ લઈ જાઓ’ કહીને હું ચૂપ બેસી ગયો. મારા મોઢા પર વાઇટ ટેપ-પટ્ટી લગાડી અને હાથ-પગ બાંધી દીધા હતા. ત્યાર બાદ તરત જ તેમણે બેડરૂમની બહાર નીકળીને ઘરમાં શોધખોળ શરૂ કરી દીધી હતી.

વાતને આગળ વધારતાં અશોકભાઈ કહે છે, ‘થોડા સમયમાં જ દીકરી ઘરે આવી અને તેને ઘરની વસ્તુઓ વેરવિખેર તથા બેડરૂમનો દરવાજો બંધ હોવાથી કંઈક ગરબડ હોવાની શંકા ગઈ. એથી તેણે લાઇટ ચાલુ કરી અને ડ્રૉઇંગરૂમમાં છુપાયેલા ચોરોએ મારી દીકરી પર હુમલો કરીને તેને નીચે પાડી દીધી. જોકે એ લોકો તેનું મોઢું બંધ કરે એ પહેલાં જરા પણ ડર્યા વગર તે જોરદાર બૂમો પાડવા માંડી. પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને એને લીધે ચોરોને સમજાઈ ગયું કે હવે કંઈ હાથ નહીં લાગે એટલે પાડોશીઓને ચાકુ દેખાડતાં તેઓ બિલ્ડિંગની નીચે જતા રહ્યા. પ્રતીક્ષાએ ચોરોને જોઈને બૂમો પાડી ન હોત તો કદાચ અણબનાવ પણ બની શક્યો હોત અથવા આખું ઘર લૂંટાઈ ગયું હોત.’

મોબાઇલ મળી આવતાં ચોર પકડાયા

પોતાની દીકરીનાં વખાણ કરતાં અશોક ગોરીએ કહ્યું કે ‘દીકરીને પકડવાના ચક્કરમાં તેમાંના એક ચોરનો મોબાઇલ સોફાની નીચે જતો રહ્યો હતો. અચાનક મોબાઇલની રિંગ વાગતાં અમારા ધ્યાનમાં આવ્યું કે લૂંટારાઓમાંથી કોઈ પોતાનો ફોન ભૂલી ગયો છે એટલે એ ફોન અમે પોલીસને સોંપી દીધો. મોબાઇલ ટ્રૅક કરતાં પોલીસે થાણેમાં રઘુનાથનગરમાં રહેતા ચેતન મકવાણાને પકડી પાડ્યો હતો. તેની સખતાઈથી પૂછપરછ કરતાં મારા જ બિલ્ડિંગમાં રહેતા દિનેશ રાવલે તેમને તમામ માહિતી પૂરી પાડી હોવાનું બહાર આવ્યું હતું. દિનેશ ફૂલહારનું કામકાજ કરે છે. તે બે વર્ષનો હતો ત્યારથી હું તેને ઓળખું છું. તેના પરિવાર સાથે અમારો આશરે ૨૮ વર્ષથી પરિવાર જેવો સંબંધ હશે. હું અને મારી પત્ની પોલિયોગ્રસ્ત હોવાનો લાભ લઈને તેઓ લૂંટ કરવા માગતા હતા. મારી પત્ની થોડી રિકવર થઈ હોવાથી તે ચાલી શકે છે, પરંતુ બચાવ કરી શકતી નથી. બિલ્ડિંગના સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં બનાવ પહેલાં દિનેશ અંદરથી બહાર જતો જોવા મળ્યો છે અને ચોરો પણ ભાગતા દેખાયા છે.

પોલીસ શું કહે છે?

આ કેસ વિશે ડોમ્બિવલીના વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર ગણેશ વઢણેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મોબાઇલને ટ્રેસ કરતાં થાણેથી ચેતન મકવાણા, ચોરોને માહિતી આપનાર અને બિલ્ડિંગમાં રહેતા દિનેશ રાવલ, અબ્દુલ સહિત ત્રણની અમે ૨થી ૩ દિવસમાં ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીઓને ૧૨ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડીનો આદેશ આપ્યો છે. અન્ય મહિલા ચોરને પોલીસ શોધી રહી છે. લૉકડાઉનને લીધે આર્થિક પરિસ્થિતિને કારણે આ લોકોએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓનું કોઈ ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ નથી. લૂંટારાઓ સાથેની ઝપાઝપીમાં પ્રતીક્ષાને પગમાં વાગ્યું છે તેમ જ તેની કમરમાં અતિશય દુખાવો છે અને ફેસ પર સોજો આવ્યો હોવાથી તે સારવાર લઈ રહી છે. ચોરોએ ચોરેલો અશોક ગોરીનો મોબાઇલ અને અમુક પૈસા અમે રિકવર કર્યા છે.

ટિપ આપી હતી પાડોશીએ

ડોમ્બિવલીની આ ઘટનામાં પ્રતીક્ષા ગોરીના પાડોશીએ જ લૂંટની ટિપ આપી હોવાથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે. જોકે આ આખી ઘટનામાં પોલીસને અત્યાર સુધીની તપાસમાં જે ચોંકાવનારી વિગત જાણવા મળી છે એ મુજબ આરોપીઓ કોઈ રીઢા ગુનેગાર નથી. તેમણે બેકારીને લીધે આ પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે.

mumbai mumbai news dombivli preeti khuman-thakur