મલબાર હિલનો રસ્તો આવતા ચોમાસા પહેલાં ખુલ્લો મુકાશે?

18 September, 2022 10:22 AM IST  |  Mumbai | Prajakta Kasale

હજી પાણીની પાઇપલાઇન પણ નથી બેસાડાઈ ત્યારે વાહનવ્યવહાર માટે ક્યારે રોડ ખુલ્લો મુકાશે એ વિશે કોઈ જ સ્પષ્ટતા નથી

ફાઇલ તસવીર

મલબાર હિલ ખાતે છેલ્લાં બે વર્ષથી બંધ પડેલો બી. જી. ખેર રોડ બીએમસી માટે પડકારરૂપ બન્યો છે. આ વિસ્તારના રહેવાસીઓ રોડનું કામ શક્ય એટલું જલદી પૂરું કરવા દબાણ કરી રહ્યા હોવા છતાં આવતા ચોમાસા સુધી આ રસ્તો ફરી શરૂ થાય એવી કોઈ શક્યતા જણાતી નથી.

અગાઉ રિજ રોડના નામે ઓળખાતો આ રોડ મલબાર હિલ અને વાલકેશ્વર અને બાકીના મુંબઈ વચ્ચે મહત્ત્વની​ લિન્ક સમાન છે.  બે વર્ષ પહેલાં ૨૦૨૦ની પાંચમી ઑગસ્ટે  મધરાતે આ રોડ પર મોટી તિરાડ પડી હતી, જેના કારણે પાણીની લાઇનને નુકસાન પહોંચ્યું હતું તથા ત્યારથી આ માર્ગને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો.

સંબંધિત વિસ્તારને પાણી પુરવઠો પહોંચાડવા બીએમસીએ હંગામી લાઇન બેસાડી હતી, પરંતુ બે વર્ષ વીતવા છતાં હજી કાયમી પાઇપલાઇન બેસાડવાનું કામ શરૂ પણ નથી કરાયું તેમ જ રોડ વાહનવ્યવહાર માટે ક્યારે ખુલ્લો મુકાશે એ વિશે પણ સ્પષ્ટતા નથી.  

‘પાણીની લાઇન નાખવાનું અને રસ્તાનું બાંધકામ કરવાનું આમ બે મુખ્ય કામ છે.  તકનીકી સલાહકાર સમિતિએ બીએમસીને કોઈ પણ ખોદકામ અથવા બાંધકામ શરૂ કરતાં પહેલાં બીજા ચોમાસાની રાહ જોવાની સૂચના આપી હોવાથી આ ઘટના પછી તરત જ બાંધકામની પ્રવૃત્તિ શરૂ થઈ શકી નહોતી એમ જણાવતાં બીએમસીના એક અધિકારીએ ઉમેર્યું  હતું કે કેટલાંક માટી પરીક્ષણો પછી સાવધાનીપૂર્વક શરૂ કરાયેલું પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ૪૦ ટકા પૂર્ણ થઈ ગયું છે. વરસાદની મોસમમાં ખોદવાનું જોખમ લઈ શકતા ન હોવાથી ચોમાસામાં કારણે કામ બંધ થઈ ગયું છે. ચોમાસાના અંત પછી ઑક્ટોબરમાં ફરી કામ શરૂ કરાશે. અમારું લક્ષ્ય ડિસેમ્બરના અંત સુધીમાં પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ કરવાનું છે જેથી રોડનું બાંધકામ અને સ્ટૉર્મ વૉટર ડ્રેઇન એકસાથે શરૂ થઈ શકે એમ હાઇડ્રોલિક વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

mumbai mumbai news malabar hill brihanmumbai municipal corporation prajakta kasale