યે અંધા કાનૂન હૈ, બાંદરા કોર્ટમાં અચાનક જ આ ગીત કેમ વાગવા માંડ્યું?

20 January, 2020 08:38 AM IST  |  Mumbai | Faizan Khan

યે અંધા કાનૂન હૈ, બાંદરા કોર્ટમાં અચાનક જ આ ગીત કેમ વાગવા માંડ્યું?

શનિવારે બાંદરા કોર્ટ રૂમમાં અચાનક જ એક પ્રચલિત ફિલ્મી ગીત ‘યે અંધા કાનૂન હે’ વાગવા માંડતા કોર્ટમાં સોપો પડી ગયો હતો. કોર્ટની પાછલી હરોળની બૅન્ચ પર બ્લૂ કલરની એક બૅગ પડી હતી, જેમાંથી આ ગીત વાગી રહ્યું હતું. કોર્ટ રૂમમાં જજ સહિત તમામ લોકો સ્તબ્ધ રહી ગયા હતા. 

પોલીસ કૉન્સ્ટેબલ બૅગ ચેક કરી તેને કોર્ટ રૂમની બહાર લઈ ગયો હતો. બૅગની નીચે એક ચિઠ્ઠી સાંપડી હતી, જેના પર બૉમ્બ લખેલું હતું. કોર્ટે વાતની ગંભીરતાને સમજીને નિર્મલનગર પોલીસ સ્ટેશનને જાણ કરતાં તેઓ બીડીડીએસ ટીમ સાથે હાજર થયા હોવાનું એક સિનિયર વકીલે જણાવ્યું હતું.

જોકે આ પોકળ ધમકી સાબિત થઈ હતી. પોલીસે જણાવ્યા મુજબ બૅગમાંથી એક બ્લૂ-ટૂથ સ્પીકર નીકળ્યું હતું, જેમાંથી આ ગીત વાગી રહ્યું હતું. આ ઘટના વખતે કોર્ટ રૂમમાં વિવિધ કેસમાં કરાયેલી જામીન અરજીની સુનાવણી કરવામાં આવી રહી હતી. શરૂમાં બધાને એમ લાગ્યું હતું કે કોઈનો ફોન વાગી રહ્યો છે પરંતુ ગીત એટલા મોટા અવાજે વાગી રહ્યું હતું કે કોર્ટના કામમાં વિક્ષેપ પડ્યો હતો એમ એક વકીલે જણાવ્યું હતું.

mumbai bandra