શ્રી યમુને બચાવ આંદોલનની સભા આવતી કાલે કાંદિવલીમાં

19 December, 2012 05:37 AM IST  | 

શ્રી યમુને બચાવ આંદોલનની સભા આવતી કાલે કાંદિવલીમાં



યમુના નદીને સ્વચ્છ કરવા મથુરા અને વૃંદાવનના સંતો દ્વારા હાથ ધરવામાં આવેલા શ્રી યમુને બચાવ આંદોલનમાં ભાગ લેવા વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ માટે ગુરુવારે સાંજે કાંદિવલી (વેસ્ટ)ના પોઇસર જિમખાના સામેના સુધરાઈના ગ્રાઉન્ડ પર આયોજિત કરવામાં આવેલી સભામાં હાજર રહેવા વેસ્ટર્ન સબબ્ર્સના જ નહીં; કલ્યાણ, થાણે, મુલુંડ, ઘાટકોપર સાઉથ સાઉથ મુંબઈથી પણ વૈષ્ણવો આવવાના છે. વૈષ્ણવો, પુષ્ટિમાર્ગી વલ્લભકુળનાં બાળકો સહિત આ સભાને ઇસ્કૉન અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ સંબોધશે અને શ્રી યમુને બચાવ આંદોલન કઈ રીતે જરૂરી છે એ બાબતથી લોકોને માહિતગાર કરશે.

કલ્યાણથી કાંદિવલીની આ સભામાં હાજરી આપવા ૧૨૫ જેટલા વૈષ્ણવો બે બસમાં આવવાના છે. આ વિશે જણાવતાં કલ્યાણના જયેશ કારિયાએ કહ્યું હતું કે ‘આપણે મોરાલ સપોર્ટ આપી શકીએ એટલે અમે યુમના નદીને સ્વચ્છ બનાવવાના આ આંદોલનમાં જોડાવાના છીએ. યંગસ્ટર્સ અને સિનિયર સિટિઝન એમ બધી જ ઉંમરના વૈષ્ણવો આમાં જોડાઈ રહ્યા છે. બે બસ ફુલ થઈ ગઈ છે.’

યુમનાને પવિત્ર કરવાની ઝુંબેશ

થાણેના કો-ઑર્ડિનેટર પ્રકાશ ઠક્કરે વૈષ્ણવોના ઉત્સાહ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘કાંદિવલીની સભામાં વૈષ્ણવોને સમજાવાશે કે કઈ રીતે યમુના નદી અપવિત્ર થઈ રહી છે. એ કઈ રીતે સાફ થઈ શકે? એ માટે કેટલા કરોડ રૂપિયા ખર્ચાયા છે? શ્રી યમુને બચાવ આંદોલન ચાલી રહ્યું છે એની ૨૦૧૩ની ૧ માર્ચે વૃંદાવનથી દિલ્હીના જંતરમંતર સુધી યોજાનારી પદયાત્રામાં કઈ રીતે ભાગ લઈ શકાશે? અમે વૈષ્ણવોને સમજાવતાં કહીએ છીએ કે પુષ્ટિમાર્ગમાં તો યમુનાને અતિ પવિત્ર માનવામાં આવી છે’

 ગ્રાઉન્ડ પરની વ્યવસ્થા

કાંદિવલીના સુધરાઈના ગ્રાઉન્ડ પર ૨૫,૦૦૦ લોકો બેસી શકે એવો મંડપ બાંધવામાં આવ્યો છે જ્યાં બેસવા માટે ખુરશી અને સોફાની વ્યવસ્થા રાખવામાં આવી છે. સભાની તૈયારી વિશે વધુ માહિતી આપતાં આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદનાં જ્યોતિ મશરૂએ કહ્યું હતું કે ‘ભાઈંદરમાં મૅક્સેસ મૉલ બનાવનાર મનુ મહેતા અને વીણા ડેવલપર્સના હરેશ સંઘવીએ કાંદિવલીની આ સભાને સ્પૉન્સર કરીને બધો ખર્ચ ઉપાડી લીધો છે. સભામાં આવનાર હરિભક્તો માટે ચા-કૉફી અને અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે. એ ઉપરાંત ડૉક્ટરોની એક ટીમ પણ ગ્રાઉન્ડ પર કોઈને શારીરિક સમસ્યા થાય તો એને પહોંચી વળવા તહેનાત રહેશે. સિક્યૉરિટી અને હાઉસકીપિંગની વ્યવસ્થા પણ ગ્રાઉન્ડ પર રહેશે. ભુલેશ્વર, વિલે પાર્લે‍, અંધેરી, બોરીવલી, ભાઈંદર અને વિરારથી પણ હરિભક્તો આવવાના છે.’

જે લોકો આ મહાસભામાં જવા માગતા હોય તેમણે જ્યોતિ મશરૂ (કાંદિવલી - ૯૩૨૨૮ ૦૪૪૫૫), પ્રકાશ ઠક્કર (થાણે - ૯૯૨૦૭ ૮૧૮૭૨) અથવા હસમુખ મખેચા (કલ્યાણ -૯૮૨૦૩૭૬૫૦૦)નો સંપર્ક કરવો.

નદીની અવદશા

દેશની પવિત્ર નદીઓમાં સ્થાન પામતી અને વૈષ્ણવોમાં યમુના મહારાણી તરીકે પૂજાતી યમુના નદીમાં દિલ્હી શહેરનું સુએજનું ગંદું પાણી અને ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ ભળે છે જેને કારણે એ ભયંકર પ્રદૂષિત થઈ છે. મથુરા અને વૃંદાવનમાં એનું પાણી પીવાયોગ્ય પણ નથી રહેતું. એને સાફ કરવા કરોડો રૂપિયા વપરાયા હોવા છતાં એની સફાઈ યોગ્ય રીતે થતી નથી એટલે એને સાફ કરવા વૃંદાવનમાં સાધુ-સંતોએ ભેગા મળીને શ્રી યમુને બચાવ આંદોલન શરૂ કયુંર્ છે.