યમુના નદીને પ્રદૂષિત થતી અટકાવવા વૈષ્ણવોનું શ્રી યમુને બચાવ આંદોલન

09 December, 2012 07:41 AM IST  | 

યમુના નદીને પ્રદૂષિત થતી અટકાવવા વૈષ્ણવોનું શ્રી યમુને બચાવ આંદોલન



દેશની રાજધાની જેના કાંઠે વસી છે અને ભગવાન કૃષ્ણે બાલ્યાવસ્થામાં જેના કાંઠે અનેક લીલાઓ કરી છે એવી ભારતની પવિત્ર નદીઓમાંની એક યમુના નદી આજે પ્રદૂષિત છે અને એના પ્રવાહમાં દિલ્હી શહેરનું ગંદું પાણી અને ફૅક્ટરીઓનો કચરો વહે છે જે વ્રજમાં પહોંચે છે. આ નદીને બચાવવા અને સ્વચ્છ કરવા કરોડો રૂપિયા વપરાઈ ચૂક્યા છે અને છતાં એ સ્વચ્છ નથી એવા સમયે મથુરા અને વૃંદાવનના સાધુસંતો, વૈષ્ણવો તથા દેશના હિન્દુ સહિત દરેક સમાજના લોકોને સાથે લઈને સંત શ્રી રમેશબાબા (બરસાના) પ્રેરિત શ્રી યમુને બચાવ આંદોલન થવાનું છે. તેઓ ૨૦૧૩ની ૧ માર્ચે વૃંદાવનથી દિલ્હીના જંતરમંતર સુધીની પદયાત્રા કાઢવાના છે. લાખો લોકોની નીકળનારી એ મહારૅલીમાં મુંબઈ, થાણે અને નવી મુંબઈના વૈષ્ણવો તેમ જ અન્ય સમાજ જોડાય એ માટે ૨૦ ડિસેમ્બરે કાંદિવલીના પોઇસર જિમખાના સામેના ગ્રાઉન્ડમાં એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં વૈષ્ણવ સાધુસંતો સહિત ઇસ્કૉન અને સ્વામિનારાયણ સંસ્થાના સંતો તથા સમર્થકો જોડાવાના છે. તેઓ આ મહારૅલી બાબતે લોકોને માર્ગદર્શન આપશે. આ મહાસભામાં ગુજરાતી સિંગર નીલેશ ઠક્કર અને ‘હમ પાંચ’ ટીવી-સિરિયલથી ફેમસ થયેલી અભિનેત્રી ભૈરવી રાયચુરા ઉપસ્થિત રહેશે. ‘સત્યમેવ જયતે’ પ્રોગ્રામમાં યમુનાની સફાઈનો પ્રશ્ન રજૂ કરનારા બૉલીવુડના અભિનેતા આમિર ખાન અને નદીઓની સફાઈના સામાજિક પ્રોગ્રામ સાથે જોડાયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડાને પણ આ સભામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ મહાસભા વિશે જણાવતાં આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદનાં જ્યોતિ મશરૂએ કહ્યું હતું કે ‘યમુનોત્રીમાંથી પ્રગટ થતાં યમુનાજી (યમુના નદી) પર હરિયાણામાં હથનીકુંડ ડૅમ બનાવવામાં આવ્યો છે અને એનાં નીરને હરિયાણાની વિવિધ નહેરોમાં વાળવામાં આવ્યાં છે. એ પછી દિલ્હી અને મથુરા-વૃંદાવન આવતી યમુનાનો પ્રવાહ બહુ જ સાંકડો બની જાય છે. એમાં દિલ્હીમાં સુએજ, ગટર અને ઇન્ડસ્ટિÿયલ વેસ્ટનું પાણી ભળે છે જેને કારણે એ નદી પ્રદૂષિત થાય છે. એ પ્રવાહ વૃંદાવન અને મથુરામાં આવે ત્યારે એ પાણી પીવાલાયક તો નહીં, વાપરવાલાયક પણ નથી રહેતું. કેન્દ્ર સરકાર યમુનાને સ્વચ્છ કરે જેથી એની પવિત્રતા જળવાય એ માટે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. આ માટે વૃંદાવનથી દિલ્હી પદયાત્રા નીકળવાની છે જેમાં લાખો લોકો જોડાશે. એ મહારૅલીમાં ભાગ લેવા મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ આવે એ માટે ૨૦ ડિસેમ્બરે અમે મહાસભાનું આયોજન કયુંર્ છે. લોકોને આ મહાસભા માટે જાણ થાય એ માટે અમે મુંબઈ અને આસપાસના વિસ્તારોની મોટા ભાગની બધી જ હવેલીમાં આ માટે બૅનર્સ લગાડ્યાં છે. માઉથ ટુ માઉથ પબ્લિસિટી પણ કરવામાં આવી રહી છે. સાઉથ મુંબઈ સહિત મુખ્યત્વે ગુજરાતી વિસ્તારોમાં કાંદિવલી, બોરીવલી, વિલે પાર્લે‍, ઘાટકોપર, મુલુંડ, માટુંગા વગેરે સ્થળોએ જાહેરખબરો અને હોર્ડિંગ્સ પણ લગાવવાનું આયોજન છે. અમે જે લોકો ગ્રુપમાં આ મહાસભામાં ભાગ લેવા આવવાના હોય તેમના માટે થાણે, કલ્યાણ, ઘાટકોપર, મુંબઈ અને ભુલેશ્વરથી બસની સગવડ પણ કરી છે.’

અહીં સપર્ક કરો


જે લોકો મહાસભામાં જવા માગતા હોય તેમણે જ્યોતિ મશરૂ (કાંદિવલી - ૯૩૨૨૮ ૦૪૪૫૫), પ્રકાશ ઠક્કર (થાણે - ૯૯૨૦૭ ૮૧૮૭૨) અથવા જયેશ કારિયા (કલ્યાણ - ૯૩૨૨૬ ૨૭૧૩૨)નો સંપર્ક કરવો