નધણિયાતી બોટમાંથી ત્રણ એકે ફૉર્ટીસેવન અને બુલેટ્સ મળી

19 August, 2022 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાયગડ જિલ્લાના કોંકણ કિનારાપટ્ટી પર આવેલા હરિહરેશ્વર પાસેથી ગઈ કાલે એ મળી હતી

નધણિયાતી બોટ

મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના કોંકણ કિનારાપટ્ટી પર આવેલા હરિહરેશ્વર પાસે ગઈ કાલે ૧૬ મીટર લાંબી નધણિયાતી બોટ મળી આવી હતી. માછીમારોએ આ સંદર્ભે સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ કરતાં એમાંથી ત્રણ એકે ફૉર્ટીસેવન રાઇફલ અને એની ઘણીબધી બુલેટ મળી આવી હતી. આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હતી. એટીએસને પણ એની જાણ કરવામાં આવી હતી અને અલર્ટ જાહેર કરવામાં આવી હતી.  

આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને હાલ ગૃહ ખાતાના વડા દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે સત્તાવાર યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે ‘આ બોટ વિશે કોસ્ટગાર્ડને જાણ કરાઈ હતી. બોટમાંથી રજિસ્ટ્રેશન પેપર્સ પણ મળી આવ્યાં હતાં. એ બોટનું નામ લેડીહાન હતું અને એ ઑસ્ટ્રેલિયન મહિલાના નામે રજિસ્ટર થયેલી હતી. તેનો પતિ જેમ્સ હૉબર્ટ એ બોટનો કૅપ્ટન હતો. એવું જાણવા મળ્યું હતું કે એ બોટ મસ્કતથી યુરોપ તરફ જવાની હતી. જોકે ૨૬ જૂને બોટનું એન્જિન ઓમાનમાં મધદરિયે બંધ પડી જતાં તેમણે મદદનો કૉલ કર્યો હતો. એક કોરિયન યુદ્ધજહાજે બોટ પરના કૅપ્ટન સહિત તમામ લોકોને ઉગારી લીધા હતા, પણ એ વખતે સમુદ્ર તોફાની હોવાથી બોટને ટો કરીને લઈ જવી શક્ય નહોતું અને એ બોટ નધણિયાતી હાલતમાં મધદરિયે છૂટી મૂકી દેવાઈ હતી. એ બોટ ગઈ કાલે હરિહરેશ્વરના કાંઠે આવી ચડી હતી. જોકે હવે એમાંથી શસ્ત્રો મળી આવતાં સ્થાનિક પોલીસ અને એટીએસ સહિત અન્ય તપાસ એજન્સીઓ એની તપાસ ચલાવી રહી છે.  

maharashtra raigad mumbai mumbai news