વરલી કોળીવાડા, ધારાવી બાદ પવઈ સ્લમમાં પણ દરદી મળતાં મુંબઈમાં ખતરો વધ્યો

04 April, 2020 08:11 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

વરલી કોળીવાડા, ધારાવી બાદ પવઈ સ્લમમાં પણ દરદી મળતાં મુંબઈમાં ખતરો વધ્યો

અંધેરી (પૂર્વ) પવઈ વિસ્તારમાં આવેલી પંચશીલનગર ઝૂંપડપટ્ટી.

કોરોનાના દરદીઓમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી મુંબઈમાં આ જીવલેણ વાઇરસનો ખતરો વધ્યો હોવાનું જણાઈ આવે છે. વરલી કોળીવાડા બાદ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી અને હવે પવઈની ઝૂંપડપટ્ટીમાં કોરોનાના દરદી મળી આવતાં અહીં આખા વિસ્તારને સીલ કરીને લોકોની અવરજવર પર કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજ્યમાં અત્યાર સુધી ૪૨૩ કોરોનાના દરદીઓ મળી આવ્યા છે, જેમાંથી ૨૪નાં મૃત્યુ થવાની સાથે ૪૨ને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં અત્યારે કોરોનાના સૌથી વધારે પેશન્ટ છે, જેમાં સતત વધારો થઈ રહ્યો છે.

પવઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા ૩૫ વર્ષના એક યુવકની કોરોનાની ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ગીચ ઝૂંપડપટ્ટીમાં હજારોની સંખ્યામાં લોકો રહે છે એટલે મોટી માત્રામાં લોકોને કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા જોઈને અહીંના પંચશીલનગરમાં ક્વૉરન્ટીન ઝોન ડિકલેર કરવામાં આવ્યો છે અને લોકો ઘરની બહાર ન નીકળે એ માટે આખા વિસ્તારને સીલ કરી દેવાયો છે.
ગુરુવારે વરલીના કોળીવાડામાં કોળી સમાજના એક નેતાનું કોરોનાને લીધે મૃત્યુ થયું હતું, તો ધારાવીમાં રહેતા એક ડૉક્ટરને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં કોરોનાના દરદીઓમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી દેશના આ આર્થિક પાટનગર પર કોરોનાનો ખતરો વધ્યો છે.

વરલીમાં કોળી નેતાની સાથે તેની પત્ની અને પુત્રને પણ કોરોનાનું સંક્રમણ થવાથી તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયાં છે. અહીં અસંખ્ય પરિવાર એકદમ નજીક નજીકમાં રહેતા હોવાથી આ પરિવારના સંપર્કમાં આવનારાઓ ચિંતિત થઈ ગયા છે. અહીં અત્યાર સુધી કોરોનાના ૧૧ દરદી સામે આવ્યા હોવાથી આખા પરિસરમાં કરફ્યુ લગાવી દેવાયો છે. ૧૦૮ રહેવાસીઓમાંથી ૮૬ લોકોને પોદ્દાર હૉસ્પિટલમાં ક્વૉરન્ટીન કરાયા છે.

ધારાવીના ૩૫ વર્ષના ડૉક્ટરને કોરોનાના એક દરદીથી સંક્રમણ થયું હોવાનું મનાય છે. આ વાઇરસ બીજાઓને ન લાગે એ માટે તેના કુટુંબીજનો સહિત તેઓ જેમના સંપર્કમાં આવ્યા છે તેમને ક્વૉરન્ટીનમાં રાખીને તેમની ઉપર દેખરેખ રખાઈ રહી છે.
પવઈના પંચશીલનગર ઝૂંપડપટ્ટીનો કોરોના સંક્રમિત યુવક અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રશાસન અને પોલીસ આવા લોકોને શોધી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

બોરીવલીમાં કોરોનાનો પહેલો કેસ

બોરીવલી (પશ્ચિમ)માં જૂની એમએચબી કૉલોનીમાં એક ૩૦ વર્ષની મહિલાને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ મહિલા અને તેના પતિને ભાભા હૉસ્પિટલમાં ગુરુવારે રાત્રે લઈ જવાયાં હતાં. તેમના બીજા પરિવારજનો અને પાડોશીઓને ક્વૉરન્ટીનમાં રહેવાની સૂચના આપવાની સાથે આસપાસના વિસ્તારને અવરજવર માટે બંધ કરીને સૅનિટાઈઝ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai dharavi powai worli borivali mumbai news coronavirus covid19