વિશ્વ એઇડ્સ ડે નડ્યો HIV પૉઝિટિવ દરદીઓના મૅટ્રિમોનિયલ મિલનને

01 December, 2014 06:18 AM IST  | 

વિશ્વ એઇડ્સ ડે નડ્યો HIV પૉઝિટિવ દરદીઓના મૅટ્રિમોનિયલ મિલનને




રુચિતા શાહ


પુણેમાં ગઈ કાલે HIV પૉઝિટિવ દરદીઓ માટે એક વિશિષ્ટ મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિને આનંદપૂર્વક અને પ્રેમથી પોતાનું જીવન પસાર કરવાનો હક છે, પછી તે HIV પૉઝિટિવ કેમ ન હોય. આ જ ઉદ્દેશથી નવ વર્ષથી દુનિયાની એકમાત્ર HIV પૉઝિટિવ દરદીઓને સમર્પિત વેબસાઇટ દ્વારા લગ્ન કરવા ઇચ્છતા આવા લોકો માટે મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે બીજા દિવસે વિશ્વ એઇડ્સ ડેને લગતા અન્ય કાર્યક્રમોમાં હાજરી આપવાની હોવાથી આ મેળાવડામાં ઓછા લોકો સામેલ થઈ શક્યા હતા. લગ્ન કરવા ઇચ્છતા ૫૦ HIV પૉઝિટિવ દરદીઓ આમાં સામેલ થયા હતા જેમાં ૬ યુવતીઓ હતી.

કાર્યક્રમને મળેલા મોળા પ્રતિસાદ સંદર્ભે Positivesaathi.com વેબસાઇટ સ્થાપવાનું વિચારબીજ આપનારા અનિલ વાલિવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કંઈ અમારો પહેલો મેળાવડો નથી. અમે વર્ષે ઓછામાં ઓછા ત્રણેક મેળાવડાઓ જુદાં-જુદાં શહેરોમાં યોજીએ છીએ. આના પહેલાં યોજાયેલા મેળાવડામાં ૨૫૦ જેટલાં કપલ સામેલ થયાં હતાં. વિશ્વ એઇડ્સ ડેના આગલા દિવસે આવો મેળાવડો થાય તો જાગૃતિની દૃષ્ટિએ ખૂબ સારું રહે. વધુમાં વધુ લોકો સુધી મીડિયા દ્વારા આ વેબસાઇટ વિશે જાણકારી પહોંચે. વિશ્વ એઇડ્સ ડે નિમિત્તે એની નોંધ પણ મીડિયામાં સારી રીતે લેવાય એટલે માત્ર ૧૦ દિવસના ઓછા સમયગાળામાં તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે એમ છતાં ઝારખંડ, છત્તીસગઢ, કલકત્તા, બૅન્ગલોર જેવાં દેશનાં ઘણાં રાજ્યોના ખૂણેખાંચરેથી લોકો આવ્યા છે. આ વેબસાઇટનો વધુમાં વધુ પ્રસાર કરીને HIV પૉઝિટિવ લોકોમાં આશાનું નવું કિરણ જન્માવવું એ અમારો ઉદ્દેશ હતો જે વર્લ્ડ એઇડ્સ ડેને લીધે ફળીભૂત થયો છે અને અમારા માટે આ મેળાવડો પણ સફળ રહ્યો છે. ૫૦ કૅન્ડિડેટ્સમાંથી ત્રણ કપલ એકમેક સાથે જોડાવા તૈયાર થયાં છે એ આ મેળાવડાની બીજી સફળતા છે. અમને એ પણ ખબર છે કે ડિસેમ્બર-એન્ડ અથવા જાન્યુઆરીની શરૂઆતમાં યોજાનારા બીજા મેળાવડામાં પ્રચાર-પ્રસારને કારણે વધુ સંખ્યામાં લોકો હાજર રહેશે.’

ઉદ્દેશ શું?

છેલ્લાં નવ વર્ષથી HIV પૉઝિટિવ લોકોને પ્રેમભર્યું જીવન મળે એ માટે સેમિનાર અને મેળાવડાઓ દ્વારા જાગૃતિ ફેલાવવાના પ્રયત્ન કરી રહેલા અનિલ વાલિવ પુણે RTO વિભાગના ડેપ્યુટી ઑફિસર છે. સમાજ જ નહીં, પોતાનો પરિવાર પણ એક વાર તો તે વ્યક્તિને HIV પૉઝિટિવ ડિટેક્ટ થાય તો એ માટે સૂગ ધરાવતો થઈ જાય છે. એને કારણે હતાશા વ્યાપી જવાની સાથોસાથ અનેક લોકો આત્મહત્યા કરવા સુધીનું ગંભીર પગલું ભરવા પણ તૈયાર થઈ જાય છે. આ બધાને કારણે નવ વર્ષ પહેલાં HIV પૉઝિટિવ લોકોને જીવવાનો હક છે અને એ હક તેમને અપાવવાની ઝુંબેશ અનિલ વાલિવે ઉપાડી હતી. એકલતામાં સપડાયેલા લોકોને તેમના જેવી જ વ્યક્તિ જીવનસાથી તરીકે મળે તો બન્ને એકબીજાનો સહારો બનીને હૂંફ મેળવી શકે. કેટલાક એવા લોકો પણ તેમના ધ્યાનમાં આવ્યા હતા જેઓ લગ્ન કરવા ઇચ્છતા હતા, પણ પાર્ટનર તરીકે તેમને HIV પૉઝિટિવ પાત્ર નહોતું મળ્યું. એ વિશે તેમણે કહ્યું હતું કે ‘HIV પૉઝિટિવ વ્યક્તિને તેના જેવું જ પાત્ર મળી જાય એ માટે પ્લૅટફૉર્મ ઊભું કરવાનો અમારો ઉદ્દેશ હતો. આવા પેશન્ટ જલદીથી પોતાની ઓળખ આપવા તૈયાર નથી હોતા એટલે તેમને સંકોચ ન થાય એ આશયથી વેબસાઇટ બનાવવાનો આઇડિયા સૂઝ્યો અને એમાં સમય જતાં ઘણા સાથીઓ જોડાયા. બીજી મહત્વની બાબત એ હતી કે જો HIV પૉઝિટિવને તેના જેવું પાત્ર ન મળે તો તે સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી નાખે અને સમાજ માટે ઓવરઑલ જોખમ ઊભું થાય. અમારી પાસે જેટલી પણ HIV પૉઝિટિવ મહિલાઓ આવે છે એમાં ચીટિંગ કરીને તેમની સાથે લગ્ન થયાં હોય છે અને પછીથી ખબર પડી હોય કે તેનો પતિ તો પહેલેથી જ HIV પૉઝિટિવ હતો. ૮૦ ટકા કેસ આવા હોય છે એટલે એ દૃષ્ટિએ પણ આ પ્લૅટફૉર્મ ખૂબ મદદરૂપ નીવડી શકે છે.’

મેળાવડાની ખૂબી


નવ વર્ષથી ચાલતા આ અભિયાનમાં અનિલ વાલિવને મદદ કરવા અનેક લોકો સ્વેચ્છાએ સામેલ થયા છે. Positivesaathi.comના વાઇસ પ્રેસિડન્ટ આયુર્વેદિક ડૉક્ટર શ્યામ જગતાપ છેલ્લાં પાંચ વર્ષથી તેમના દરેક આયોજનમાં તન-મન-ધનથી સર્પોટ કરી રહ્યા છે. શ્યામ જગતાપે મેળાવડાની ખૂબી વિશે કહ્યું હતું કે ‘જીવન તરફથી આશા ખોઈ બેસેલા આવા લોકોને જીવનસાથી મેળવી આપવાની સાથે-સાથે તેમને મેન્ટલ અને ફાઇનૅન્શિયલ મદદની જરૂર પડે તો એમાં પણ અમે તેમના પડખે રહેવાના પ્રયત્ન કરીએ છીએ. મેળાવડામાં આવતી મહિલાઓના ટ્રાવેલિંગ-કૉસ્ટથી લઈને જે જગ્યાએ મેળાવડો હોય ત્યાં રહેવાથી લઈને ખાવાની વ્યવસ્થા અમે કરીએ છીએ. કૅન્ડિડેટની ગ્રુપ-મીટિંગથી લઈને તેમની વાતને આગળ વધારવાની સાથે તેમનામાં કૉન્ફિડન્સ અને પૉઝિટિવિટી લાવવા માટે હિપ્નોટિઝમ થેરપી પણ મેળાવડા દરમ્યાન આપીએ છીએ.’

Positivesaathi.com વિશે

આ વેબસાઇટના માધ્યમ થકી અત્યાર સુધીમાં ૩૫૦થી ૪૦૦ જેટલાં લગ્નો થયાં છે. ૫૦૦૦ જેટલાં HIV પૉઝિટિવ યુવકો-યુવતીઓએ પોતાનો બાયોડેટા ફ્રીમાં રજિસ્ટર્ડ કરાવ્યો છે. વિશ્વની આ એકમાત્ર વેબસાઇટ છે જે HIV પૉઝિટિવ દરદીઓને સમર્પિત કરવામાં આવી છે અને હવે નૉન-રેસિડેન્શિયલ ઇન્ડિયન્સ પણ આમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે.