અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં વર્લ્ડ કપ માટેની ક્રિકેટગૅલેરી

23 December, 2011 07:06 AM IST  | 

અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં વર્લ્ડ કપ માટેની ક્રિકેટગૅલેરી



જો તમને સચિન જેવા સારા ક્રિકેટર બનવું હોય તો તૈયાર થઈ જાઓ, કારણ કે અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ટૂંક સમયમાં વર્લ્ડ કપ ક્રિકેટ ગૅલેરી તૈયાર થઈ જશે. આ ગૅલેરીમાં સિનિયર ક્રિકેટરો સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપશે. આ ગૅલેરીની જગ્યાએ સ્થાનિક રમતવીરો માટે જિમ્નૅસ્ટિક્સ, ટેબલટેનિસની જગ્યા હતી. આ જગ્યા પર સહારા વેલ્ફેર સંઘટના દ્વારા વર્લ્ડ કપ ક્રિકેટ ગૅલેરી તૈયાર કરવામાં આવતાં રમતવીરોમાં નારાજગી ઊભી થઈ હતી. જોકે શિવસેના દ્વારા જિમ્નૅસ્ટિક્સ, ટેબલટેનિસ માટે યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

પાલિકામાં બજાર અને ઉદ્યાન સમિતિના ચૅરમૅન વિષ્ણુ કોરગાંવકરે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અંધેરી-વેસ્ટમાં આવેલા શહાજી રાજે ભોસલે ક્રીડા સંકુલ (અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ)માં સહારા વેલ્ફેર સંઘટના દ્વારા વર્લ્ડ કપ ક્રિકેટ ગૅલેરી તૈયાર કરવામાં આવી રહી છે. આ ગૅલેરી બનતાં સ્થાનિક લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટના શિક્ષણનો લાભ મળશે. તૈયાર થઈ રહેલી ગૅલેરીના સ્થળે અગાઉ રમતવીરો જિમ્નૅસ્ટિક્સ, ટેબલટેનિસ રમતા હતા. આ જગ્યા બે હજાર સ્ક્વેર ફૂટ જેટલી હતી. જોકે હાલમાં એનાથી પણ સારી જગ્યા તેમને આપવામાં આવી છે. વર્લ્ડ કપ ક્રિકેટ ગૅલેરી બનતાં એનો લાભ સ્થાનિક રહેવાસીઓ લઈ શકશે.’

ઉલ્લેખનીય છે કે સ્થાનિક રમતવીરો સાથે થઈ રહેલા આ અન્યાયના વિરોધમાં એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) સ્ટાઇલથી આંદોલન કરવાની ચીમકી વર્સોવા વિભાગ અધ્યક્ષ મનીષ ધૂરીએ આપી હતી.

વર્લ્ડકપ ગેલેરીમાં શું હશે?

લાખો રૂપિયાના ખર્ચે અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તૈયાર થઈ રહેલી વર્લ્ડકપ ક્રિકેટ ગૅલરીમાં વર્લ્ડકપ જીતેલી ભારતની ટીમના પ્લૅયર્સોની મુખ્ય ક્ષણોની તસવીરો, વિડિયો ક્લીપ્સ તથા ક્રિકેટરોની યાદગાર ક્ષણો, ગૅલરીમાં ૧૯૮૩ તથા ૨૦૧૧ વર્લ્ડકપ જીતી ચૂકેલી ભારતની ટીમના ક્રિકેટરોએ ઉપયોગમાં લીધેલા બેટ, પેડ, ગ્લોવ્ઝ, કૅપ, હેલ્મેટ ૨,૦૦૦ સ્ક્વેર ફૂટની ગેલરીમાં પ્રદર્શન માટે મૂકાશે, એવું સુધરાઈની ગાર્ડન તથા ઉદ્યાન સમિતિના ચેરમેન વિષ્ણુ કોરગાંવકરે જણાવ્યું હતું.