બોરીવલી અને વિરારની પાંચમી-છઠ્ઠી લાઇનનું કામ મંદ ગતિએ ચાલી રહ્યું છે

10 November, 2025 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૬ કિલોમીટરના આ પૅચમાં બે વર્ષમાં ફક્ત ૧૮ ટકા જ કામ થયું છે

વસઈની ખાડી પાસે મંદ ગતિએ ચાલી રહેલું પાંચમી-છઠ્ઠી લેનનું કામકાજ.

વિરાર એ હવે જાણે મુંબઈનો જ એક ભાગ છે અને એ મુંબઈનું દૂરનું પરું છે એટલો વસ્તીવિસ્ફોટ એ બેલ્ટમાં જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાંથી ૩૫ લાખ લોકો રોજ લોકલ ટ્રેન દ્વારા મુંબઈમાં નોકરી કરવા આવે છે અને પાછા જાય છે. એથી લોકલ ટ્રેનો સ્પીડમાં જઈ શકે અને એની ફ્રીક્વન્સી પણ વધારી શકાય એ માટે વેસ્ટર્ન રેલવે લાંબા સમયથી મેલ-એક્સપ્રેસ ટ્રેનો જે હાલ ૩ અને ૪ નંબરના લોકલના ફાસ્ટ ટ્રૅક પર દોડે છે એના માટે અલાયદી પાંચમી અને છઠ્ઠી લાઇન બનાવી રહી છે. જોકે અનેક મુશ્કેલીઓ આવતી હોવાથી એનો એક-એક કરીને ઉકેલ લાવવામાં આવી રહ્યો છે એટલે જે ઝડપે કામ થવું જોઈએ એ ઝડપે થઈ નથી રહ્યું. બે વર્ષમાં માત્ર ૧૮ ટકા જ કામ થઈ શક્યું છે અને હજી પણ એ કામ મંદ ગતિએ જ ચાલી રહ્યું છે.  

બોરીવલી અને વિરારના ૨૬ કિલોમીટરના પૅચમાં મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP) III A અંતર્ગત ૨૧૮૪ કરોડ રૂપિયાના ખર્ચે આ પાંચમી અને છઠ્ઠી લાઇન નાખવામાં આવી રહી છે. જોકે જમીનવિવાદ, પર્યાવરણને લગતા પ્રતિબંધો અને કાયદાકીય અડચણોને કારણે પ્રોજેક્ટ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. 

મૅન્ગ્રોવ્ઝનાં વૃક્ષો કાપવા મંજૂરી 
દહિસરથી વસઈ વચ્ચે ઘણી જગ્યાએ રેલેવેના ટ્રૅકને અડીને જ મૅન્ગ્રોવ્ઝનાં વૃક્ષો છે. એ કાપવા માટે મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, પણ એ સાથે જ બૉમ્બે હાઈ કોર્ટે અને મૅન્ગ્રોવ્ઝ સેલ દ્વારા ફરજિયાત કૉમ્પેન્સેટરી પ્લાન્ટેશન કરવાની શરત મુકાઈ છે અને એના પર કડી નજર રાખવામાં આવશે. 

રેલવે શું કહે છે?

મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન લિમિટેડના એક અધિકારીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘એક મહત્ત્વના બ્રિજ પર સ્ટે હતો જે અમે હમણાં જ ક્લિયર કરાવી શક્યા છીએ. અમે એક પછી એક મુશ્કેલીનો ઉકેલ લાવી રહ્યા છીએ છતાં એની પ્રોગ્રેસ જોઈએ એવી નથી, એ હજી પડકારરૂપ જ રહેવાની. આ પ્રોજેક્ટ માટે હવે ડ્રોન દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે ટ્રૅક નાખવાની અલાઇનમેન્ટ પણ નક્કી થઈ ગઈ છે. જે બ્રિજ બનાવવાના છે એનું ડ્રૉઇંગ પણ મંજૂર થઈ ગયું છે. વળી ડિઝાઇન ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટ દ્વારા એની ડિઝાઇન પણ ફાઇનલ કરી દેવામાં આવી છે. બે મહત્ત્વના બ્રિજનું કામ ચાલુ પણ કરી દેવામાં આવ્યું છે. દહિસર અને વસઈ વચ્ચે જમીન સમથળ કરવાના કામનાં ટેન્ડર પણ મગાવાયાં છે. જોકે એમ છતાં કેટલીક જગ્યાએ જમીનનું હસ્તાંતરણ કરવાનું બાકી છે અને પર્યાવરણને લગતી મંજૂરીઓ પણ મેળવવાની બાકી છે. કુલ ૧.૮૧ હેક્ટર ખાનગી જમીન મેળવવાની છે જેમાંથી ૧.૪૦ હૅક્ટર જમીન મેળવી લેવાઈ છે, જ્યારે બાકીની જમીન કાયદાકીય કેસમાં અટવાયેલી છે. બીજી ૧૩.૬૦ હેક્ટર જમીન મીઠાગરની છે એથી એ મેળવવાનું પણ અઘરું થઈ રહ્યું છે.’ હાલ આ પ્રોજેક્ટ હેઠળ જે કામ દેખાઈ રહ્યું છે એમાં દહિસર, નાયગાંવ અને નાલાસોપારામાં પ્લૅટફૉર્મની લંબાઈ વધારવી અને સાથે જ ફુટ ઓ‍વર બ્રિજ પહોળા કરવાનું કામ જણાઈ રહ્યું છે એમ જણાવતાં એક અધિકારીએ કહ્યું હતું કે ‘અત્યારે કેટલાક મેજર અંતરાય વટાવવામાં આવ્યા છે. જોકે એમ છતાં આ કામ કેટલું ઝડપથી થશે એ તો આવનારા ૧૨ મહિનામાં કેવી પ્રગતિ થાય છે એના પર અવલંબે છે.’ 

mumbai news mumbai mumbai railway vikas corporation mumbai local train mumbai trains borivali virar environment