MMRDA અને સુધરાઈ વચ્ચે વિખવાદ

28 December, 2014 05:18 AM IST  | 

MMRDA અને સુધરાઈ વચ્ચે વિખવાદ



સાયન-માહિમ-ધારાવી બ્રિજ નવેસરથી બાંધવા માટે ધારાવીમાં નાળા પર ઊભા કરવામાં આવેલા ૨૧ થાંભલા કોલાબા-બાંદરા-સીપ્ઝ વચ્ચે ત્રીજી મેટ્રો લાઇન નાખવાના ૨૪,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટના માર્ગમાં અવરોધ રૂપ બનતા હોવાથી એ હટાવવા માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના તંત્રે મોટા ઉપાડે સુધરાઈને નોટિસ તો આપી દીધી, પણ હવે એના ખર્ચને નામે કમઠાણ થયું છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં MMRDAના તંત્રે આ ખર્ચ ઉપાડવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ પછીથી એ જવાબદારી સુધારઈને લેવાનું કહ્યું હતું.

જોકે આ થાંભલા હટાવવા માટે માત્ર ખર્ચની સમસ્યા નથી. સુધરાઈને આ કામગીરી માટે કુશળતા ધરાવતી નિષ્ણાત કંપની શોધવાની પણ સમસ્યા સતાવે છે. બીજી સમસ્યા એવી પણ છે કે MMRDAના અધિકારીઓએ સુધરાઈને આ બ્રિજનું નવેસરથી બાંધકામ દોઢ વર્ષમાં પૂરું કરવાની પણ તાકીદ કરી છે. આ તબક્કે સુધરાઈ ખર્ચની સમસ્યાથી પરેશાન છે. સુધરાઈના અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે ખર્ચની જવાબદારી અચાનક આવી પડતાં કામ વધારે વિલંબમાં મુકાવાની શક્યતા દર્શાવે છે.

સુધરાઈના બ્રિજ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એન્જિનિયર આર. તારેએ જણાવ્યું હતું કે ‘અમે ધારાવીના બ્રિજ માટેના થાંભલા હટાવવાના અને બ્રિજના નવેસરથી બાંધકામ માટેનો ખર્ચ કોણ કરશે એ બાબત અધ્ધર હોવાથી ક્ન્સલ્ટન્ટ નીમવાના નિર્ણયને પણ આખરી  રૂપ આપ્યું નથી.’