૭૫૩ કિલોમીટરની મુંબઈ અને નાગપુર હાઈસ્પીડ રેલવે યોજનાનું કામ શરૂ થયું

10 September, 2020 09:33 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

૭૫૩ કિલોમીટરની મુંબઈ અને નાગપુર હાઈસ્પીડ રેલવે યોજનાનું કામ શરૂ થયું

ફાઇલ ફોટો

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પછી નૅશનલ હાઈસ્પીડ રેલવે કૉર્પોરેશને મુંબઈ-નાગપુર હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટનું કામ શરૂ કર્યું છે. મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નામે પણ ઓળખાતી આ યોજના માટે કૉર્પોરેશને ટેન્ડર બહાર પાડ્યાં ત્યારે બીજી બાજુ કૉર્પોરેશનના અધિકારીઓ ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવા માટે સંબંધિત દસ્તાવેજો અને નકશા ભેગા કરવા તથા બનાવવા માટે મથામણ કરી રહ્યા છે. દરમ્યાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરોના રોગચાળાને કારણે વિલંબમાં પડે અને વર્ષ ૨૦૨૩ની ડેડલાઇન ચૂકી જાય એવી શક્યતા છે. રેલવે બોર્ડના ચૅરમૅન વિનોદ યાદવે પ્રોજેક્ટ માટે આવશ્યક જમીનમાંથી ૬૩ ટકા જમીન અત્યાર સુધીમાં તાબામાં લેવાઈ હોવાનું જણાવ્યું હતું. તાબામાં લેવાયેલી જમીનમાંથી ૮૨ ટકા ગુજરાતની અને ૨૩ ટકા મહારાષ્ટ્રની છે.
કૉર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘પ્રસ્તાવિત મુંબઈ-નાશિક-નાગપુર કોરિડોરના પ્રોજેક્ટ માટે ટેન્ડર્સ બહાર પાડવામાં આવ્યાં છે. એ ટેન્ડર્સ કોરિડોરના માર્ગમાં આવતા વિસ્તારોના સબ સ્ટેશન્સ માટે પાવર સૉર્સિંગ, સર્વે અને આઇડેન્ટિફિકેશન ઑફ યુટિલિટીઝમાં ઉપયોગી થશે. ડીપીઆર તૈયાર કરવા માટે પણ ટેન્ડર પ્રોસેસ ઉપયોગી થશે. કલાકના ૩૨૦ કિલોમીટરની ઝડપે દોડનારી ટ્રેનની મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન જોડે પણ કનેક્ટિવિટી રહેશે. હાલ ઇગતપુરીના વિકટ ઘાટ વિસ્તારોમાંથી પસાર થતી મુંબઈ-નાગપુર દૂરોંતો ટ્રેન કલાકના ૬૫ કિલોમીટરની ઝડપે ૧૧ કલાકમાં ૭૫૩ કિલોમીટરનો પ્રવાસ પૂરો કરે છે. અન્ય હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટ્સમાં દિલ્હી-વારાણસી (૮૬૫ કિલોમીટર), દિલ્હી-અમદાવાદ (૮૮૬ કિલોમીટર), ચેન્નઈ-મૈસુર (૪૩૫ કિલોમીટર), દિલ્હી-અમૃતસર (૪૫૯ કિલોમીટર), મુંબઈ-હૈદરાબાદ (૭૧૧ કિલોમીટર) અને વારાણસી-હાવડા (૭૬૦ કિલોમીટર)નો સમાવેશ છે.’

mumbai mumbai news nagpur