બાંદરા યાર્ડમાં ઝડપભેર થઈ રહ્યું છે પિટ લાઇન પર શેડ નાખવાનું કામ

13 January, 2023 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ પછી બાંદરા ટર્મિનસથી છૂટતી અને ટર્મિનેટ કરાતી ટ્રેનો અહીંથી જ ફરી શરૂ અને ટર્મિનેટ થાય એવી શક્યતા

પિટ લાઇનનું ઝડપભેર ચાલી રહેલું કામકાજ

બાંદરા ટર્મિનસ પાસે આવેલા વેસ્ટર્ન રેલવેના યાર્ડમાં પિટ લાઇન પર શેડ નાખવાનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે અને એ કામ જૂન મહિના સુધીમાં આટોપી લેવાય એવી શક્યતા હાલ જોવાઈ રહી છે. જોકે એ પછી જે કેટલીક ટ્રેનો જે બાંદરા ટર્મિનસથી છૂટતી હતી અને ટર્મિનેટ કરાતી હતી એ અન્ય સ્ટેશનોથી શરૂ કરાઈ છે અથવા ટર્મિનેટ કરાઈ છે એ ફરી એક વખત બાંદરા ટર્મિનસથી જ શરૂ અને ટર્મિનેટ થાય એવી શક્યતા છે.

મેલ અને એક્સપ્રેસ ગાડીઓના મેઇન્ટેનન્સ અને સાફસફાઈ માટે બાંદરા ટર્મિનસથી આગળ ખાર તરફ યાર્ડમાં પિટ લાઇન છે. આ પિટ લાઇન એટલે બે પાટા વચ્ચે ખાડો કરી નીચેથી રિપેરિંગ અને મેઇન્ટેનન્સ કામ કરી શકાય છે. જોકે વર્ષોથી એ પિટ લાઇન ઓપન ટુ સ્કાય હતી અને હવે એના પર શેડ નાખવાનું કામ હાથ ધરાયું છે. એ પિટ લાઇનની સાઇડમાં ખાડા કરી એમાં લોખંડના પિલર ઊભા કરીને પછી એના પર શેડ નાખવામાં આવશે એટલે કોઈ પણ ઋતુમાં ત્યાં કામ થઈ શકશે. બાંદરા યાર્ડમાં કુલ પાંચ પિટ લાઇન છે. એમાંથી બે પિટ લાઇન પર શેડ બાંધવા પિલર બેસાડવાનું કામ હાલ ચાલી રહ્યું છે,  જ્યારે બાકીની ત્રણ પિટ લાઇન હાલ પણ કાર્યરત છે. આ બે પિટ લાઇનનું કામ થયા બાદ બાકીની ત્રણ પિટ લાઇન પર શેડનું કામ શરૂ કરવામાં આવશે.   

mumbai mumbai news bandra