બે દિવસ, સાત ચીમની

11 December, 2020 09:38 AM IST  |  Mumbai | Rohit Parikh

બે દિવસ, સાત ચીમની

બે દિવસમાં ખાંડેરાવ વાડી અને વિઠોબા લેનમાં ચીમનીઓ હટાવી રહેલા મહાનગરપાલિકાના કર્મચારીઓ

મુંબઈ મહાનગરપાલિકાના ‘સી’ વૉર્ડની ખાંડેરાવ વાડીમાં આવેલી દાદીશેઠ અગ્યારી લેન અને વિઠોબા લેનમાં બે દિવસથી સુવર્ણકારોનાં કારખાનાંઓની ચીમની તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે દિવસમાં ‘સી’ વૉર્ડના બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટે સાત ચીમનીઓ તોડી પાડી છે. મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી સ્થાનિક રહેવાસીઓએ રાહત અનુભવી છે તો ઝવેરીબજાર અને દાગીનાબજારના વેપારીઓમાં નારાજગી પ્રવર્તી છે. આ વેપારીઓ કહે છે કે આ કાર્યવાહીથી એક દિવસ ઝવેરીબજારની રોનક ઝાંખી પડી જશે.

ભુલેશ્વરના રહેવાસી સિનિયર સિટિઝન હરકિશન ગોરડિયા છેલ્લાં ૧૫ વર્ષથી આ મુદ્દે લડી રહ્યા છે. આ બાબતની માહિતી આપતાં હરકિશન ગોરડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુવર્ણકારોનાં કારખાનાંઓને કારણે ‘સી’ વૉર્ડમાં ઝેરી પ્રદૂષણ અને રહેવાસીઓના જાનનું જોખમ વધી ગયું છે. કાલબાદેવી અને ભુલેશ્વરની આસપાસના વિસ્તારોમાં અનેક વાર સુવર્ણકારોનાં કારખાનાંઓને કારણે આગ લાગવાના બનાવ પણ બન્યા છે. અમારી સતત લડતને કારણે મહાનગરપાલિકા સમયે-સમયે ઍક્શનમાં આવી જાય છે. છેલ્લા બે દિવસમાં મહાનગરપાલિકાના બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ તરફથી ખાંડેરાવ વાડી અને વિઠોબા લેનમાં આવેલી મોટી-મોટી ચીમનીઓ તોડી પાડવામાં આવી છે.

‘સી’ વૉર્ડના બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનયર સંકેત સાકરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં અનેક સુવર્ણકારોએ તેમના કારખાનામાં ગેરકાયદે ચીમનીઓ ઊભી કરી છે. રહેવાસીઓની ફરિયાદના આધારે અમે બે દિવસથી ગેરકાયદે ચીમનીઓ હટાવવાની શરૂઆત કરી છે. બુધવારે અમે ખાંડેરાવ વાડીમાં આવેલી દાદીશેઠ અગ્યારી લેનમાં છ ચીમનીઓ તોડી પાડી હતી અને ગઈ કાલે અમે વિઠોબા લેનમાં એક ચીમની તોડી પાડી હતી. અમારી કાર્યવાહી હજી ચાલુ રહેશે.

મહાનગરપાલિકાની ચીમની તોડવાની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરતાં ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ડિરેકટર મનોજ ઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકાર આજદિન સુધી ‘સી’ વૉર્ડમાંથી સુવર્ણકારોને ક્યાં લઈ જશે એના માટેની વૈકલ્પિક જગ્યા બાબતનો નિર્ણય લઈ શકી નથી. રહેવાસીઓની ફરિયાદો પરથી મહાનગરપાલિકા ઍક્શનમાં આવી જાય છે અને કોર્ટમાં હારી પણ જાય છે. ઝવેરીબજાર મુંબઈની રોનક છે. કોવિડને કારણે સુવર્ણકારો મુંબઈથી સ્થળાંતર કરીને જતા રહ્યા છે, જેને લીધે અત્યારે જ્વેલરો ફક્ત ૫૦થી ૬૦ ટકા જ્વેલરીઓ જ બનાવી શકે છે. મહાનગરપાલિકાની ઍક્શન શરૂ થશે તો જે થોડાઘણા સુવર્ણકારો છે તે ‘સી’ વૉર્ડની આસપાસના વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને તેમના ગામે જતા રહેશે, જેનાથી ઝવેરીબજારની રોનક ઝાંખી થઈ શકે છે.’

અમારા વિસ્તારમાં અનેક સુવર્ણકારોએ તેમના કારખાનામાં ગેરકાયદે ચીમનીઓ ઊભી કરી છે. રહેવાસીઓની ફરિયાદના આધારે અમે બે દિવસથી ગેરકાયદે ચીમનીઓ હટાવવાની શરૂઆત કરી છે.

- સંકેત સાકરકર, ‘સી’ વૉર્ડના બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનિયર

મહારાષ્ટ્ર સરકાર આજદિન સુધી ‘સી’ વૉર્ડમાંથી સુવર્ણકારોને ક્યાં લઈ જશે એના માટેની વૈકલ્પિક જગ્યા બાબતનો નિર્ણય લઈ શકી નથી. રહેવાસીઓની ફરિયાદો પરથી મહાનગરપાલિકા ઍક્શનમાં આવી જાય છે અને કોર્ટમાં હારી પણ જાય છે.

- મનોજ ઝા, ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ડિરેકટર

mumbai mumbai news brihanmumbai municipal corporation