પીક અવર્સમાં આરે કૉલોનીમાંથી ટ્રાવેલ કરવાનું વિચારતા હો તો માંડી વાળજો

28 March, 2022 08:28 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

કારણ કે ત્યાં રસ્તાના કૉન્ક્રીટીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરિણામે જેવીએલઆર પર વધશે ટ્રાફિકનું બર્ડન

આરે કૉલોનીમાં અનેક સ્થળોએ વાહનચાલકોને રોડ બ્લૉકની તેમ જ વૈકલ્પિક રૂટની જાણ કરતી નોટિસ ચોંટાડવામાં આવી છે

આરે માર્કેટથી આરે હૉસ્પિટલની વચ્ચે આવેલા મુખ્ય આરે રોડના કૉન્ક્રીટીકરણનું કામ શરૂ થતાં આરે રોડ થઈને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ (જેવીએલઆર) જતા ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવતાં જેવીએલઆર રોડનો ઉપયોગ કરતા વાહનચાલકોએ વધારે ટ્રાફિકનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.  

આરેમાં વિવિધ સ્થળોએ નોટિસ ચોંટાડવામાં આવી છે, જે મુજબ દિંડોશી ટ્રાફિક ડિવિઝન હેઠળ આવતા આરે રોડ પર આરે માર્કેટથી આરે હૉસ્પિટલ વચ્ચેના રસ્તાનું કૉન્ક્રીટીકરણ કરવાની આવશ્યકતાને કારણે ૨૦૨૨ની ૨૪ માર્ચના રાતના ૧૨ વાગ્યાથી કામ પૂરું ન થાય ત્યાં સુધી આ રોડ પરના ટ્રાફિકને અન્યત્ર વાળવામાં આવી રહ્યો છે. નોટિસમાં જણાવ્યા અનુસાર કામ ૨૪ માર્ચથી શરૂ થવાનું હતું, જ્યારે રોડ શનિવાર ૨૬ માર્ચથી બ્લૉક કરવામાં આવ્યો હતો.  વાહનચાલકોની સુવિધા માટે ટ્રાફિક પોલીસ તેમ જ સુધરાઈએ આરે કૉલોનીમાં અનેક સ્થળોએ રોડ ડાઇવર્ઝનની માહિતી આપતાં બૅનર્સ લગાવ્યાં છે.  આરે રોડ પર આરે માર્કેટથી આરે હૉસ્પિટલ સુધીનો રસ્તો હંગામી ધોરણે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હોવાથી ટ્રાફિકને યુનિટ નંબર પાંચ અને છ તેમ જ આરે ઑફિસથી આરે હૉસ્પિટલ સુધી વૈકલ્પિક માર્ગ પર વાળવામાં આવ્યો હોવાનું મુંબઈના ડીસીપી (પશ્ચિમી ઉપનગર) ટ્રાફિક નીતિન પવારે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું.

૨૦૧૯માં ચોમાસા પહેલાં કરવામાં આવતા વાર્ષિક રિપેરિંગ ઉપરાંત અમુક રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું. એમ છતાં મોટા ભાગનો વિસ્તાર ખાડાઓથી ભરેલો હોવાથી કોઈ કાયમી ઉકેલ આવી શક્યો નથી. જેવીએલઆર પરના ટ્રાફિકથી બચવા સવારે અને સાંજે પીક અવર્સમાં વાહનચાલકો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક ગોરેગામને મરોલ અને પવઈ સાથે જોડતા આરે મુખ્ય રસ્તાનો ઉપયોગ શૉર્ટકટ તરીકે કરતા હોય છે. હવે આરે રોડનો એક હિસ્સો સમારકામને કારણે બંધ કરવામાં આવતાં વાહનચાલકોએ આ રોડનો ઉપયોગ કરવાનું ટાળવું પડશે, જેના કારણે જેવીએલઆર પર ટ્રાફિક જૅમની સમસ્યા ઊભી થઈ શકે છે.

કૉન્ક્રીટનો રસ્તો બાંધવાનો કૉન્ટ્રૅક્ટ બે કૉન્ટ્રૅક્ટરને સોંપવામાં આવ્યો છે. એક કૉન્ટ્રૅક્ટર ગોરેગામમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી ફિલ્ટરપાડા સુધીનો રસ્તો બાંધશે અને બીજો કૉન્ટ્રૅક્ટર મરોલ તરફથી પિકનિક પૉઇન્ટ સુધીનો રસ્તો તૈયાર કરશે.

mumbai mumbai news aarey colony ranjeet jadhav