બૉલીવુડને મુંબઈથી ખસેડવા બાબતે ઉદ્ધવ ઠાકરે ગુસ્સે ભરાયા, કહ્યું આ...

15 October, 2020 09:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલીવુડને મુંબઈથી ખસેડવા બાબતે ઉદ્ધવ ઠાકરે ગુસ્સે ભરાયા, કહ્યું આ...

ફાઈલ તસવીર

મુંબઈમાંથી બોલિવૂડને હટાવવાની વાતને લઈને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ગુસ્સે થયા છે. તેમણે કહ્યું કે, જો મુંબઈમાંથી બોલિવૂડને ખતમ કરવાનો કે તેને અન્યત્ર ખસેડવા માટે જે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેને અમે કદાપી સાંખી નહીં લઈએ.

સુશાંત સિંહ રાજપુત (Sushant Singh Rajput)ના મોતના કેસ બાદ CBI, ED અને NCB સહિતની કેન્દ્રીય એજન્સીઓને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં અનેક બોલિવૂડ અભિનેતા-અભિનેત્રીના નામ આવતા બોલિવૂડને મુંબઈથી અન્યત્ર ખસેડવાની માંગણી ઉઠવા પામી છે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે તો પોતાના રાજ્યમાં ફિલ્મ સિટી ઉભી કરવા યુદ્ધના ધોરણે કામ પણ હાથ ધરી દીધું છે. યોગીએ તત્કાળ 5 હજાર એકર જમીન અને આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ માટે જમીન પણ ફાળવી દીધી છે. 

મુંબઈના મહત્વ વિષે જણાવતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મુંબઈ ભારતની ફક્ત આર્થિક રાજધાની છે પણ એન્ટરટેઈનમેન્ટની પણ રાજધાની પણ છે. બોલિવૂડ અને સિનેમા મોટી સંખ્યામાં લોકો માટે રોજગારી ઉભી કરે છે. બોલિવૂડ પોતાના સિનેમા માટે દુનિયાભરમાં ખુબ જ જાણિતું છે અને હોલિવૂડ ફિલ્મોની માફક જ શાનદાર અને સારી ફિલ્મો બનાવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળે છે કે, એક નિશ્ચિત વર્ગના લોકો તેને બદનામ કરવાનો પ્રયાસ કરે છે, જે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ અને પીડાદાયક છે.

તેમણે આજે મલ્ટીપ્લેક્સ અને સિનેમા થિયેટરોના માલિકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. સાથે જ થિયેટર માલિકોને આશ્વાસન પણ આપ્યું હતું કે, રાજ્ય સરકાર જલ્દી મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોને ફરીથી ખોલવા એસઓપી પર કામ કરી રહી છે.

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મુંબઈની બહાર ખસેડવાના મામલે કહ્યું હતું કે, જો મુંબઈમાંથી બોલિવૂડને ખતમ કરવાનો કે તેને અન્યત્ર ખસેડવા માટે જે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેને અમે કદાપી સાંખી નહીં લઈએ.

mumbai bollywood sushant singh rajput uddhav thackeray