તો અસદુદ્દીન ઓવૈસી પાકિસ્તાન જતો રહે : શિવસેના

15 March, 2016 03:45 AM IST  | 

તો અસદુદ્દીન ઓવૈસી પાકિસ્તાન જતો રહે : શિવસેના



ઑલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમિન (AIMIM)ના ચીફ અને લોકસભામાં હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે સાંજે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં ઉદગીર શહેરમાં યોજાયેલી એક રૅલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવતને જવાબ આપતાં કહ્યું હતું કે ‘કોઈ મારી ગરદન પર છરી મૂકી દે તો પણ હું ‘ભારત માતા કી જય’ નહીં બોલું. હું સ્લોગન બોલતો નથી. તો ભાગવતસાહેબ, તમે શું કરશો?’

ઓવૈસીએ આવું કહ્યું ત્યારે ઉપસ્થિત મેદનીએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો. આ પછી ઓવૈસીએ કહ્યું હતું કે ‘ભાગવતસાહેબ કહે છે કે ભારતમાં જે લોકો આવો નારો લગાવતા નથી તેમણે આ શીખવું પડશે, પણ ભારતના બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે કોઈએ ‘ભારત માતા કી જય’ એવું બોલવું જોઈએ.’

જોકે આ મુદ્દે ગઈ કાલે વિવાદ થયા બાદ શિવસેનાએ એકદમ તીખી પ્રતિક્રિયા આપી હતી. વિધાનસભામાં બજેટસત્ર વખતે શિવસેનાના મિનિસ્ટર રામદાસ કદમે કહ્યું હતું કે ‘ઓવૈસીને ભારતમાં રહેવાનો અધિકાર નથી. તેને ભારત ગમતું નથી અને દેશ માટે તેને કોઈ માન નથી. તેણે પાકિસ્તાન જતા રહેવું જોઈએ અથવા અમે તેને આ દેશમાંથી ભગાડી દઈશું.’

તપાસનો આદેશ

બીજી તરફ BJPએ પણ તાત્કાલિક આ મુદ્દે તપાસનો આદેશ આપ્યો હતો અને ઉદગીરમાં ઓવૈસીના સ્પીચની ટેપ મગાવી હતી. રાજ્યના નાણાપ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘અલ્લાહ ઓવૈસીને સદ્બુદ્ધિ આપે. અમે લાતુર જિલ્લા પ્રશાસનને આ કેસમાં તપાસનો આદેશ આપ્યો છે. આ દેશમાં વાણીસ્વાતંત્ર્યના નામે કોઈ પણ વ્યક્તિ આવાં નિવેદનો કરી શકે નહીં.’

વિધાનસભ્ય વારિસ પઠાણે શું કહ્યું?


મુંબઈમાં AIMIMના વિધાનસભ્ય વારિસ પઠાણે કહ્યું હતું કે ‘અમારા નેતાને પાકિસ્તાન જવાનું કે દેશની બહાર કાઢી મૂકવાનું શિવસેના કેવી રીતે કહી શકે? અમે આ દેશના નાગરિકો છીએ અને કોઈ પણ અમને આ રીતે દેશ છોડવા માટે ધમકાવી શકે નહીં.’

બીજી તરફ કૉન્ગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું હતું કે ઓવૈસીએ આવાં સ્ટેટમેન્ટ્સ ન આપવાં જોઈએ.

શું કહ્યું હતું મોહન ભાગવતે?

નાગપુરમાં ત્રીજી માર્ચે મોહન ભાગવતે કહ્યું હતું કે ‘ભારતની નવી પેઢીએ દેશની શાનમાં નારા લગાવવાનું શીખવું જોઈએ. આજની પેઢીને ‘ભારત માતા કી જય’ એવું બોલવું પણ શીખવવું પડે છે. જોકે આ એકદમ સ્પૉન્ટેનિયસ હોવું જોઈએ અને એ ભારતના યુવાનોના ઑલ-રાઉન્ડ ડેવલપમેન્ટ માટે જરૂરી છે.’