બાળાસાહેબ પ્રત્યે આદર હોવાથી શિવસેનાની ટીકા નહીં કરું : મોદી

06 October, 2014 03:14 AM IST  | 

બાળાસાહેબ પ્રત્યે આદર હોવાથી શિવસેનાની ટીકા નહીં કરું : મોદી




મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારયુદ્ધમાં BJPને અગ્રેસર રાખવા ખુદ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી મેદાને પડ્યા છે. શનિવારે બીડ, ઔરંગાબાદ અને મુંબઈમાં રૅલીઓ કર્યા બાદ ગઈ કાલે તેમણે સાંગલી, ગોંદિયા અને કોલ્હાપુરની સભામાં કૉન્ગ્રેસ અને NCPને આડે હાથ લીધી હતી; પરંતુ BJP સાથેની અઢી દાયકાની યુતિ તૂટ્યા બાદ શિવસેનાની ટીકા પોતે કેમ નથી કરતા એનો ખુલાસો પણ કર્યો હતો. ગઈ કાલે મોદીની ચોથી રૅલી નાશિકમાં પણ હતી, પરંતુ વરસાદ અને ભારે પવનને કારણે આ રૅલી કૅન્સલ કરવામાં આવી હતી.

સાંગલી, ગોંદિયા અને કોલ્હાપુરમાં શું કહ્યું?

શિવસેનાના સ્થાપક સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની ગેરહાજરીમાં મહારાષ્ટ્રની આ પહેલી ચૂંટણી છે. બાળાસાહેબે મહારાષ્ટ્રની સુખાકારી માટે જીવન ખર્ચી નાખ્યું હતું તેથી મારા મનમાં તેમના પ્રત્યે ઊંડો આદર અને શ્રદ્ધા હોવાથી હું ચૂંટણીપ્રચારમાં શિવસેના વિરુદ્ધ એક શબ્દ પણ નથી બોલવાનો.

શરદ પવારના ગઢ બારામતી કરતાં પણ ઊંચી શિવાજીની પ્રતિમા અમે ગુજરાતના સુરતમાં મૂકી છે તેથી અમારી શિવાજી પ્રત્યેની નિષ્ઠા વિશે પ્રશ્ન કરવાનો તમને અધિકાર નથી.

મુંબઈના પ્રસિદ્ધ વિક્ટોરિયા ટર્મિનસનું છત્રપતિ શિવાજી ટર્મિનસ નામકરણ કેન્દ્રમાં BJPના વડપણ હેઠળની અટલ બિહારી વાજપેયીની સરકારે કર્યું હતું. શિવરાયાના ગુણ તમારામાં ક્યારેય ઊતરવાના નથી.

શરદ પવાર કેન્દ્રમાં ઍગ્રિકલ્ચર મિનિસ્ટર હતા ત્યારે જ મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ખેડૂતો આપઘાત કેમ કરતા હતા? સાકરનાં કારખાનાંઓ અને સહકારી મંડળીઓને રાજકીય અડ્ડા બનાવીને NCPના નેતાઓએ ખેડૂતોને પાયમાલ કર્યા હતા.