Women’s Day: 6000થી વધુ યુવતીઓને વેશ્યાવૃત્તિથી બચાવનાર ત્રિવેણી આચાર્ય

05 March, 2021 06:27 PM IST  |  Mumbai | Rachana Joshi

Women’s Day: 6000થી વધુ યુવતીઓને વેશ્યાવૃત્તિથી બચાવનાર ત્રિવેણી આચાર્ય

ત્રિવેણી આચાર્ય

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આ વર્ષે તમને એવી મહિલાઓની વાત જણાવી રહ્યું છે, જેમણે પોતાના જીવનમાં અનોખી સિદ્ધિ મેળવીને સમાજમાં નવો ચીલો ચાતર્યો હોય. આજે મળીએ એક એવી મહિલાને જેને પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓને બાજુએ મુકીને સમાજ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે તે દૂર કરવામાં પોતાનો ફાળો આપ્યો છે. મળીએ, ત્રિવેણી આચાર્યને, જેમણે દેહ વ્યાપારની જાળમાં ફસાયેલી યુવતીઓને નવજીવન આપ્યું.

મુંબઈની ‘બદનામ ગલીઓ’ નામે જાણીતા રેડ લાઈટ વિસ્તારમાં સામાન્ય માણસ જવાનો વિચાર માત્ર ન કરી શકે તો ત્યાં જઈને દેહ વ્યાપારની જાળમાં ફસાયેલી યુવતીઓને બહાર કાઢવાની પહેલ કોઇ મહિલા કરે ત્યારે તે ખરેખર અચંબિત કરે તેવું જ અસાધારણ કાર્ય કહેવાય.

વાત શરૂ થાય છે 31 વર્ષ પહેલાં. વર્ષ  1991માં  પત્રકાર ત્રિવેણી આચાર્ય તેમના પતિ બાલક્રિષ્ન સાથે ગુજરાતથી મુંબઈ આવ્યા ત્યારે એક દિવસ પત્રકારત્વના અસાઈમેન્ટ માટે એશિયાના સૌથી મોટા રેડ લાઇટ એરિયામાંના એક ફલ્કલેન્ડ માર્ગ પર ગયા હતા. જ્યાં તેમણે જોયું કે, એક નાની છોકરીને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. ત્રિવેણીએ તે બાળકીને પીડામાં જોઈ, તેની સાથે વાત કરી અને તેનું હૃદય દ્રવી ઉઠયું. ત્યારબાદ તેમણે ઘરે આવીને પોતાના પતિને આ વાત કરી. ત્યારે ‘સોનામાં સુગંધ ભળે’ તેવી વાત એ હતી કે, તેમના પતિ એ કહ્યું કે ‘મારે તારી સાથે આ જ વિષય પર વાત કરવી છે. મારા શોરૂમમાં એક છોકરો છે જે વેશ્યા તરીકે કામ કરતી છોકરીના પ્રેમમાં પડયો છે અને તેને ત્યાંથી બચાવીને તેની સાથે લગ્ન કરવા માંગે છે.’

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં ત્રિવેણી આચાર્યએ જણાવ્યું કે, ‘અમે એક છોકરીને બચાવવા ગયા ત્યારે ખબર પડી કે અસંખ્ય નાની, કુમળી અને જુવાન છોકરીઓ આ દેહ વ્યાપારના ધંધામાં અટવાઈ ગઈ છે. અમે એકને બચાવવા ગયા ત્યારે અનેક છોકરીઓએ મને કહ્યું કે મારે આમાંથી બહાર આવવું છે. તે સમયે મને માનવ તસ્કરી, દેહ વ્યાપાર કે તેના કાયદા અને કાનૂન વિશે તેટલી માહિતી નહોતી. બસ મને એટલું જ ખબર હતી કે મારે આ વ્યાપારમાં ફસાયેલી છોકરીઓને બહાર કાઢવી છે અને તેમને પણ સમાન્ય જીવન જીવતી કરવી છે. તે દિવસથી મેં અને મારા પતિએ નક્કી કર્યું કે અમે દેહ વ્યાપારમાં જબરજસ્તથી ઘસડી લાવવામાં આવેલી છોકરીઓને બહાર કાઢીશું. અને શરૂ થયું મારું મિશન. અનાથઆશ્રમ, વૃદ્ધાશ્રમ, અક્ષમ બાળકો માટે તો સતત કોઇને કોઇ બચાવ કામગીરી ચાલતી હોય છે પણ મારે આવા ધંધામાં ફસાયેલી છોકરીઓ માટે એક સલામત સ્થળ બનાવવું હતું.’

‘શરૂઆતમાં મને બહુ જ મુશ્કેલીઓ પડી હતી. એક તરફ હું સમાજ માટે સારું કાર્ય કરી રહી હતી. ત્યાં બીજી બાજુ મને સમાજનો જ સહકાર નહોતો મળતો. સમાજના લોકોના મહેણા-ટોણાનો સતત વરસાદ થઈ રહ્યો હતો કે, દેહ વ્યાપાર પણ એક વ્યાપાર જ છે અને તે તો ચાલ્યા કરે તું તારું કામ કર એવું કહેવામાં આવતું. પરંતુ મને મારા પતિનો સાથ-સહકાર મળ્યો હોવાથી મેં સમાજની ચિંતા ન કરી અને સમાજમાં ચાલી રહેલા આ દુષકૃત્યને નાશ કરવાના પ્રયત્ન શરૂ કર્યા’, એમ ત્રિવેણી આચાર્યએ કહ્યું હતું.

વર્ષ 1996માં ત્રિવેણી આચાર્યએ તેમના પતિ સાથે મળીને બિન સહકારી સંસ્થા (એનજીઓ)ને ‘રેસ્ક્યુ ફાઉન્ડેશન’ના નામે રજીસ્ટર્ડ કરાવી. આજે સંસ્થાએ મુંબઈ, પુણે, દિલ્હી, આગ્રા, બિહાર, રાજસ્થાન સહિત દેશભરના વિવિધ રાજ્યોમાંથી 6000 કરતા વધુ છોકરીઓને દેહ વ્યાપારની જાળમાંથી બહાર કાઢી છે. દેહ વ્યાપારમાં ફસાયેલી છોકરીઓને બચાવવાનું કાર્ય બહુ ક્રમ બધ્ધ કરવામાં આવે છે. ખબરીઓ દ્વારા સમાચાર મળ્યા પછી પોલીસને તે વિશે જાણ કરવામાં આવે છે. જે છોકરીઓને લાવવામાં આવી હોય તેને ટ્રેક કરીને તેમની ઈચ્છા જાણવામાં આવે છે કે તેમને આ દેહ વ્યાપારની જાળમાંથી બહાર નીકળવું છે કે નહીં  અને તે પછી જ તેમને બહાર કાઢવામાં આવે છે.

ત્રિવેણી આચાર્યએ કહ્યું કે, ‘મોટા ભાગની છોકરીઓને આ ધંધામાં જબરજસ્તી ધકેલી દેવામાં આવે છે. ગામાડાની છોકરીઓનો પરિવાર  તે છોકરીઓને નજીવી રકમ માટે દેહ વ્યાપાર માટે વેચી કાઢે છે. ઘણી છોકરીઓને કિડનેપ કરીને લાવવામાં આવે છે. જ્યારે આ છોકરીઓને અમે ઉગારીને બહાર લાવીએ અને તેમના ઘર સુધી પહોચાડીએ ત્યારે ઘણા કેસમાં એવું બને છે કે ઘરવાળા છોકરીનો સ્વીકાર નથી કરતા. કેટલાક કેસમાં છોકરીઓ ગર્ભવતી થઈ જાય છે એટલે શરમને કારણે બહાર નથી જઈ શકતી. એટલે ત્યાંથી રેસક્યુ કર્યા પછી અમે છોકરીઓનું કાઉન્સિલિંગ કરીને તેમને સમજાવીએ છીએ અને તેમને સહારો પણ આપીએ છીએ’. સંસ્થાએ અત્યાર સુધીમાં 6,000થી વધુ છોકરીઓને બચાવી છે અને નવી જીંદગી આપી છે.

ત્રિવેણી આચાર્યને તેમના કાર્ય માટે અનેક એવોર્ડ મળ્યા છે

આ દરમિયાન આવેલા સૌથી મુશ્કેલ સમયની વાત કરતા ત્રિવેણી આચાર્ય કહે છે કે, ‘વર્ષ 2005માં જ્યારે મારા પતિ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા ત્યારે હું સાવ તૂટી ગઈ હતી. મને થયું કે હું કઈ રીતે બધુ સંભાળીશ. પણ પેલું કહે છે ને કે ભગવાન સહુનું સારું જ કરે છે અને તેણે દરેક માટે એક રસ્તો વિચારી જ રાખ્યો હોય છે. મેં આજ સુધી જે છોકરીઓને આ બધામાંથી બહાર કાઢી હતી એ જ મારો સહારો બની અને સંસ્થાને સંભાળવામાં મારી મદદ કરવા લાગી’.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘આજની છોકરીઓએ વધુ સતર્ક અને સજાગ રહેવાની જરૂર છે. ઓનલાઈન અને સોશ્યલ મીડિયાના જમાનામાં છોકરીઓ સાવ સરળતાથી કોઈની પણ જાળમાં ફસાઈ જાય છે અને ઓનલાઈન સેક્સ કે પ્રોર્નોગ્રાફીનો શિકાર બને છે. જો તેઓ થોડીક સજાગ રહે તો તેમની જીંદગી સુધરી જશે. બાકી દેહ વ્યાપારતો ત્યાં સુધી ચાલતો રહેશે જ્યાં સુધી વેશ્યાવૃત્તિની માંગ રહેશે. દેહ વ્યાપારનું ડ્રગ્સ જેવું છે. ડ્રગ્સ ગમે તેટલું મોંઘુ હોય પણ લોકો તેને મેળવવા માટે કંઈપણ કરે જ છે’.

ત્રિવેણી આચાર્યની વાર્તા ખરેખર સંદેશ આપી જાય છે કે, સમાજની વચ્ચે રહીને પણ તમે સમાજ માટે કાર્ય કરી શકો છે. એક માતા તરીકે મહિલા બાળકને જન્મ આપીને મા બને છે. પણ ત્રિવેણી આચાર્યએ તો અનેક યુવતીઓને નવજીવન આપીને ખરા અર્થમાં માતા હોવાનું સાબિત કર્યું છે.

mumbai news mumbai womens day